રાધનપુરઃ કિંજલ રબારી વિવાદમાં નવો ડ્રામા સામે આવ્યો હતો. કિંજલ ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો, વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાલી દીધા છે. જેનાથી તેના લગ્ન ફોક થયા તેવી ચર્ચા પણ શરૂ થઈ છે, જોકે કેટલાક લોકો આ પગલાને સમાધાનના ભાગરૂપે જોઈ રહ્યા છે.
મળતી વિગત પ્રમાણે, રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બનાસકાંઠામાં બેઠક મળી હતી. જેમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને દીકરા-દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી.
શું છે મામલો
રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા.જે બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી કે, મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહીં.
પોલીસ સુરક્ષાની માગ કરતા કિંજલ રબારીએ કહ્યુ કે, અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે. મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.
જાણો કોણ છે કિંજલ રબારી
રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.