તેહરાનઃ ઈઝરાયલ-અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું હોવાનો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. હુમલાામાં ખામેનેઈ અને રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન નિશાન પર હતા. પ્રથમ હુમલો ખામેનેઈની ઓફિસ પાસે થયો હતો. આ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ જણાવ્યું કે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ખામેનેઈ હજુ જીવિત છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં તેહરાનમાં ખામેનેઈના કમ્પાઉન્ડમાં નુકસાન જોવા મળ્યું હતું, અહેવાલો મુજબ આ તેમનું સત્તાવાર નિવાસસ્થાન પણ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલની નેતન્યાહૂ સરકાર સતત ઈરાનની વર્તમાન સરકારને ઉથલાવવાનું નિવેદન આપતા રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ આ હુમલો ખામેનેઈ અને IRGCના અધિકારીઓને નિશાન બનાવવા માટે કરાયો હતો. હુમલાની છેલ્લા થોડા દિવસોથી આશંકા હતી. જોકે હજુ સુધી અયાતુલ્લા અલી ખામેનેઈ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી. સૂત્રોના કહેવા પ્રમાણે, ખામેનેઈ તહેરાનમાં નથી અને તેને કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.

કોણ છે અયાતુલ્લા અલી ખામેનેઈ?
મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલની હિંસક અને વિસ્તારવાદી નીતિઓમાં ઈરાન હંમેશા અવરોધરૂપ માનવામાં આવે છે. 86 વર્ષીય ઈસ્લામિક વિદ્વાન અયાતુલ્લા અલી ખામેનેઈ આનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 1989થી ઈરાનના સુપ્રીમ લીડર છે. તેમણે આ પદ પર ઈરાની ઈસ્લામિક રિપબ્લિકના સ્થાપક અયાતુલ્લા રુહોલ્લાહ ખામેનેઈનું સ્થાન લીધું હતું.
ખામેનેઈ 1979ની ઈરાની ક્રાંતિ દરમિયાન દેશનિકાલમાંથી પરત ફર્યા હતા અને તેમણે અમેરિકા સમર્થિત શાહ મોહમ્મદ રઝા પહેલવીની સત્તાનો અંત આણ્યો હતો. ઈરાનમાં સુપ્રીમ લીડર તરીકે ખામેનેઈ પાસે સરકારની તમામ શાખાઓ, સેના અને ન્યાયતંત્ર પર અંતિમ સત્તા હોય છે. આ સાથે જ તેમને દેશના ધાર્મિક અને આધ્યાત્મિક નેતા પણ માનવામાં આવે છે.
ખામેનેઈના પશ્ચિમના દેશો સાથે નથી સુમેળભર્યા સંબંધ
પોતના શાસનકાળ દરમિયાન ખામેનેઈના પશ્ચિમના દેશો સાથે સુમેળભર્યા સંબંધ રહ્યા નથી. આ દરમિયાન ઈરાન પર અનેક કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા અને દેશના અર્થતંત્ર તથા અધિકારોના મુદ્દાને લઈ પણ વિરોધ પ્રદર્શન થયા હતા. અયાતુલ્લા અલી ખામેનેઈને અનેક વખત અમેરિકાને ઈરાનના નંબર વન દુશ્મન ગણાવી ચુક્યા છે. જ્યારે ઈઝરાયલને પણ તેનું નજીકનું માને છે.
અયાતુલ્લા અલી ખામેનેઈની તાકાતનો એક મહત્વનો આધાર ઈરાનની બે મુખ્ય સુરક્ષા સંસ્થાઓ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને બસીજ મિલિટ્રી ફોર્સની વફાદારી છે . એવું કહેવાય છે કે બસીજમાં લાખો સ્વયંસેવકો સામેલ છે. ખામેનેઈ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં અને તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર નાગરિક હિતો માટે જ છે. આમ છતાં, અમેરિકા અને ઈઝરાયલ સમયાંતરે પરમાણુ હથિયાર બનાવવાનો આરોપ લગાવીને ઈરાન પર અનેક પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદતા રહ્યા છે.
અમેરિકી ગુપ્તચર એજન્સીઓ અને સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થાને ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં કામ કરી રહ્યું હોવાના પુરાવા મળ્યા નહોતા. જોકે, ઈઝરાયલની નેતન્યાહુ સરકાર અને ટ્રમ્પ વહીવટીતંત્રના કેટલાક લોકો આ દાવાને આગળ વધારી રહ્યા છે કે ઈરાન પરમાણુ હથિયાર તરફ આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોનું માનીએ તો, નેતન્યાહુ પર ઈઝરાયલમાં કેટલાય મોટા કેસ ચાલી રહ્યા છે, તેથી તેઓ યુદ્ધના બહાને તેનાથી બચવા માંગે છે.
ખામેનેઈને લઈ ટ્રમ્પે શું કર્યો મોટો દાવો
અમેરિકા અને ઈઝરાયલના હવે ખુલ્લેઆમ ખામેનેઈને સત્તાથી હટાવવા અને ખતમ કરવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તથાકથિત લીડર ક્યાં છુપાયેલો છે તે સારી રીતે જાણે છે અને અમેરિકા માટે આસાન લક્ષ્ય છે. ટ્રમ્પે ઈરાનના લોકોને સત્તા પરિવર્તનની અપીલ કરતાં કહ્યું કે, જ્યારે અમે અમારું કામ પૂરું ન કરી લઈએ ત્યારે તમે સરકાર પર કબજો કરી લેજો. આવનારી પેઢીઓ માટે કદાચ આ એકમાત્ર મોકો હશે.
મિડલ ઈસ્ટની દિશા અને દશા નક્કી થશે
ખામેનેઈ અને પશ્ચિમી દેશો વચ્ચેનો સંઘર્ષ હવે નિર્ણાયક અને ખતકનાક મોડ પર પહોંચ્યો છે. એકબાજુ ખામેનેઈએ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ઘરેલું વિરોધ છતાં સત્તા પર પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે, જ્યારે બીજી તરફ અમેરિકા અને ઈઝરાયલ હવે તેમના નેતૃત્વને જડમૂળથી ઉખાડી નાંખવા સીધી જ સૈન્ય કાર્યવાહી પર ઉતરી આવ્યા છે. આ સંઘર્ષનું પરિણામ સમગ્ર મિડલ ઈસ્ટની ભૂ રાજનીતિની દશા અને દિશા નક્કી કરશે.