Mon Jul 27 2026

Logo

કેરલમમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, રમેશ ચેન્નીથલાને ગૃહવિભાગનો હવાલો

2026-05-20 18:20:01
Author: Chandrakant Kanoja
Article Image

તિરુવનંતપુરમ: કેરલમમાં સરકારની રચના બાદ આજે મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી વીડી.  સતીશને 35 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. તેમણે નાણા, કાયદો, સામાન્ય વહીવટ અને બંદરો જેવા મુખ્ય વિભાગો જાળવી રાખ્યા છે. નવા મંત્રીમંડળમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાને ગૃહ અને તકેદારી જેવા મહત્વપૂર્ણ વિભાગો ઉપરાંત ત્રણ અન્ય વિભાગો સોંપવામાં આવ્યા છે.

સન્ની જોસેફને વીજળી, પર્યાવરણ અને સંસદીય બાબતોનો હવાલો

જ્યારે મંત્રીમંડળમાં સામેલ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા પી.કે. કુન્હાલીકુટ્ટીને  ઉદ્યોગ અને વાણિજ્ય, માહિતી ટેકનોલોજી, એઆઈ, સ્ટાર્ટઅપ્સ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, અને હાથવણાટ અને કાપડ વિભાગો સોંપવામાં આવ્યા છે.  કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા સન્ની જોસેફને વીજળી, પર્યાવરણ અને સંસદીય બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

એ.પી. અનિલ કુમારને  જમીન અને મહેસૂલ વિભાગનો હવાલો 

જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા કે. મુરલીધરનને આરોગ્ય, દેવસ્થાન, ખાદ્ય સલામતી અને તબીબી શિક્ષણ સહિત સાત વિભાગો ફાળવવામાં આવ્યા છે. તેમજ  રોઝી એમ. જોન ઉચ્ચ શિક્ષણ વિભાગ સંભાળશે. એ.પી. અનિલ કુમારને જમીન અને મહેસૂલ વિભાગ અને એન. શમસુદીનને સામાન્ય શિક્ષણનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

આરસીપીના ધારાસભ્યને વન અને વન્યજીવન સંરક્ષણનો હવાલો 

આ ઉપરાંત રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી ના ધારાસભ્ય શિબુ બેબી જોનને વન અને વન્યજીવન સંરક્ષણ અને કૌશલ્ય વિકાસ વિભાગ સોંપવામાં આવ્યા છે. જ્યારે કેરળ કોંગ્રેસ (જોસેફ) ક્વોટાના મંત્રી મોન જોસેફને સિંચાઈ, ભૂગર્ભજળ, પાણી પુરવઠા, સ્વચ્છતા અને આવાસ વિભાગ સોંપવામાં આવ્યા છે.

સીએમ અને મંત્રીમંડળના સભ્યોએ 18 મેના રોજ શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કેરલમના  રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે કેબિનેટ વિભાગોની ફાળવણી અંગે મુખ્યમંત્રી વી.ડી. સતીસનની ભલામણોને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી સતીશન ઉપરાંત તેમના મંત્રીમંડળના  સભ્યોએ 18 મેના રોજ શપથ લીધા હતા.