એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
બહુ ગાજેલા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. આ કેસમાં સીબીઆઈએ દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાને જેલભેગા કરી દીધા હતા. સિસોદિયા તો વરસ લગી જેલમાં રહ્યા હતા ને આ કેસની મદદથી ભાજપે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાનો પ્રચાર પૂરજોશમાં ચલાવીને દિલ્હીમાં સત્તા કબજે કરી લીધી હતી.
હવે આ કેસમાં આવેલા ચુકાદામાં કેજરીવાલ અને સિસોદિયાને નિર્દોષ જાહેર કરી દેવાતાં સીબીઆઈનો પોપટ થઈ ગયો છે. સીબીઆઈ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત એ છે કે, દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે તમામ 23 આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે. સીબીઆઈએ આ કેસમાં 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી પણ કોર્ટે આ ચાર્જશીટનો ડૂચો કરીને કચરાટોપલીમાં ફેંકી દીધી છે. કોર્ટે તમામ આરોપીઓ સામે આરોપો ઘડવાનો ઇનકાર કરીને બધાંને નિર્દોષ છોડી મૂક્યા છે. કોર્ટનું કહેવું છે કે, કેજરીવાલ અને સિસોદિયાની વાત તો છોડો પણ બીજા કોઈ સામે પણ પુરાવા નથી અને પુરાવા વિના આરોપો ના ઘડી શકાય.
સીબીઆઈનો દાવો હતો કે, કેજરીવાલની સરકારે દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ નીતિ બનાવી હતી અને તેના ભાગરૂપે કેજરીવાલના નજીકના સાથી વિજય નાયરે સાઉથ ગ્રૂપ પાસેથી 100 કરોડ રૂપિયાની રકમ વસૂલી હતી. વિજય નાયરે દિલ્હી એક્સાઇઝ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનો સાથે સંપર્ક કરીને રોકડી કરાવી આપી હતી. બીઆરએસનાં નેતા કે. કવિતા પણ આ કૌભાંડમાં સંડોવાયેલાં હતાં. કે. કવિતાએ જ સાઉથના લિકર ગ્રૂપનો નાયર સાથે પરિચય કરાવેલો.
નાયરે સાઉથ ગ્રૂપ પાસેથી લીધેલા 100 કરોડ રૂપિયા વિનોદ ચૌહાણ અને આશિષ માથુર મારફતે ગોવા મોકલવામાં આવ્યા હતા. આ રકમનો ઉપયોગ ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કરાયો હતો. સીબીઆઈએ આપના ગોવા પ્રભારી દુર્ગેશ પાઠકને પર પણ ગેરકાયદેસર પૈસા મેળવીને તેનો ઉપયોગ કરવા બદલ આરોપી ગણાવ્યા હતા. સીબીઆઈએ મનિષ સિસોદિયાને આખા કૌભાંડના સૂત્રધાર અને કેજરીવાલને ભાગીદાર ગણાવ્યા હતા.
સીબીઆઈનું કહેવું હતું કે, કેજરીવાલના આદેશથી 100 કરોડમાંથી 44.5 કરોડ રૂપિયા ગોવા વિધાનસભા ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા. આમ ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે મેળવેલા નફાનો ઉપયોગ કરવા માટે કેજરીવાલ પણ આરોપી ગણાય કેમ કે આમ આદમી પાર્ટીને તેનો ફાયદો થયો હતો.
કોર્ટે આ બધી વાતોનો છેદ ઉડાવી દીધો છે. સીબીઆઈએ હજારો પાનાંની ચાર્જશીટ રજૂ કરેલી પણ કોર્ટે તેના ધજાગરા ઉડાવી દેતાં કહ્યું છે કે, ચાર્જશીટમાં અસંખ્ય ખામીઓ છે અને એક પણ આરોપને સાબિત કરતો કોઈ પુરાવો નથી કે કોઈ પણ સાક્ષી નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સીબીઆઈ સિસોદિયા સામે પ્રથમ દૃષ્ટિએ જ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે અને કેજરીવાલનું નામ કોઈ નક્કર પુરાવા વગર ઉમેરવામાં આવ્યું હતું.
બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ સામે આરોપ મુકાય ત્યારે નક્કર પુરાવા જોઈએ અને નક્કર પુરાવા વિના આરોપો મૂકવા કાયદાના સિદ્ધાંતોની વિદ્ધ છે. કેજરીવાલ સામે કોઈ નિવેદન કે પુરાવા નહોતા છતાં કેજરીવાલને કાવતરાંના ભાગીદાર બતાવી દેવાયા એ યોગ્ય નથી.
કોર્ટે બીજી પણ ઘણી વાતો કરી છે પણ એ બધી વાતો માંડી શકાય તેમ નથી. આ વાતોનો સાર એ છે કે, સીબીઆઈએ તપાસ કરવાની કે પુરાવા એકઠા કરવાની જહેમત જ નથી ઉઠાવી અને બુદ્ધિ લગાવ્યા વિના ઉપરથી આવેલા ફરમાનનો અમલ કરીને કેજરીવાલ આણિ મંડળીને ફિટ કરી દીધેલી. સીબીઆઈએ જહેમત ના ઉઠાવી કેમ કે કોઈ પુરાવા જ નહોતા. ભાજપ કોઈ પણ ભોગે કેજરીવાલને ભ્રષ્ટાચારી ચિતરીને ઘરભેગા કરી દેવા માગતો હતો પણ કેજરીવાલ આંટીમાં આવતા નહોતા.
એક્સાઈઝ કેસમાં એ તક મળી ગઈ એટલે કંઈ પણ વિચાર્યા વિના સીબીઆઈને સોપારી આપી દેવાઈ ને સીબીઆઈએ સોપારી ફોડીને સિસોદિયા, કેજરીવાલ વગેરેને જેલભેગા કરી દીધા. ભાજપને કેજરીવાલની ઈમેજ બગાડીને દિલ્લીમાં સત્તા કબજે કરવામાં જ રસ હતો ને સીબીઆઈએ એ કામ કરી આપ્યું એટલે ભયો ભયો. તેમાં ન્યાયના સિદ્ધાંતો પળાયા કે નહીં તેની કોઈને પરવા નહોતી ને અત્યારે પણ નથી.
આ ચુકાદા સાથે સીબીઆઈના માથે વધુ એક કાળી ટીલી લાગી છે પણ સીબીઆઈના અધિકારીઓમાં એ વાતની જરાય શરમ નથી. સીબીઆઈ પહેલેથી સત્યની સાથે રહેવાના બદલે સત્તાની સાથે રહે છે ને સત્તામાં હોય તેમની સામે પડનારાંની પતાવી દેવાની સોપારીઓ ફોડે છે. એક્સાઈઝ કેસમાં પણ આ ભૂમિકા સીબીઆઈએ ભજવી ને તેનાથી વધારે કશું નથી કર્યું. સીબીઆઈના અધિકારીઓ શાસકોના પાલતુ બનીને તેમનાં તળવાં ચાટવા સિવાય કશું કરતા નથી. શાસકો કહે તેની સામે ભસવાનું ને શાસકો કહે તેને કરડવાનું, શાસકો ના કહે એટલે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જવાનું એ જ તેમનો સિધ્ધાંત છે એ વાત ફરી સાબિત થઈ છે.
કેજરીવાલ અને સિસોદિયાને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય સામે ભાજપે સાવ વાહિયાત પ્રતિક્રિયા આપી છે કે, કાયદાકીય પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી અને પુરાવાના અભાવે કોર્ટે કેજરીવાલ, સિસોદિયા વગેરેને નિર્દોષ જાહેર કર્યા છે. ભલા માણસ, કોઈ પણ માણસ કોઈ પણ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ સાબિત ના થાય તો બીજી કઈ રીતે થાય? ને પુરાવા નથી તેનો અર્થ શો? એ જ કે સીબીઆઈએ ચાર વર્ષ લગી જખ મારી અને કેજરીવાલ અને સિસોદિયા સહિતના લોકોને વિના પુરાવાએ બબ્બે વર્ષ સુધી જેલમાં સાવ ખોટી રીતે ગોંધી રાખ્યા. ભાજપે એવી વાહિયાત દલીલ પણ કરી છે કે, આ એક ટેકનિકલ બાબત છે અને આ નિર્ણય નીચલી અદાલતનો છે. તેની ઉપલી અદાલતોમાં તપાસ થઈ શકે છે.
ભાજપના નેતા લોકોને કઈ રીતે બેવકૂફ બનાવે છે તેનો આ વધુ એક નાદાર નમૂનો છે. કોઈ તપાસ એજન્સી નક્કી કરેલી સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ ના કરી શકે કે જરૂરી એફિડેવિટ ના કરી શકે ને આરોપી નિર્દોષ છૂટી જાય એ ટેકનિકલ બાબત કહેવાય પણ સીબીઆઈ પોતે મૂકેલા આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા જ રજૂ ના કરી શકે એ ટેકનિકલ બાબત કઈ રીતે કહેવાય ? ને પુરાવા જ નહોતા તો સાવ હવામાં અધ્ધરતાલ કઈ રીતે કેસ કરી નાખ્યો ? ને માનો કે શરૂઆતમાં પુરાવા નહોતા તો આટલા બધા મહિના પછી પણ સીબીઆઈ કે કોઈ પુરાવા ના શોધી શકી? આ સવાલોના જવાબો નથી ભાજપ પાસે નથી કે નથી સીબીઆઈ પાસે, પણ તેની બંનેમાંથી કોઈને પરવા નથી. કારણ સ્પષ્ટ છે. તેમનો જવાબ માગનાં જ કોઈ નથી.