Sat Sep 05 2026

Logo

યુપીમાં નિવૃત્ત એડિશનલ કમિશનર સામે વિજિલન્સની મોટી કાર્યવાહી: ₹ 100 કરોડની અપ્રમાણસર સંપત્તિનો ખુલાસો

2026-04-09 21:28:14
Author: Mumbai Samachar Team
યુપીમાં નિવૃત્ત એડિશનલ કમિશનર સામે વિજિલન્સની મોટી કાર્યવાહી: ₹ 100 કરોડની અપ્રમાણસર સંપત્તિનો ખુલાસો

કાનપુર/લખનઉઃ કાનપુરના વિજિલન્સ વિભાગ એકમે વાણિજ્યિક કર વિભાગના નિવૃત અધિક કમિશ્નર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી તેમના કાર્યકાળ દરમિયાન જાણીતા આવકના સ્ત્રોતોથી પ્રાપ્ત આવકની સરખામણીએ ભારે ભરખમ રોકાણો અને ખર્ચનો ખુલાસો થયા બાદ કરવામાં આવી છે.

નોઇડા સ્થિત તેમના નિવાસસ્થાને વર્ષ ૨૦૧૭માં આવકવેરા વિભાગના દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું હતું. ઓગસ્ટ ૨૦૨૩થી ચાલી રહેલી તપાસમાં તેમની કુલ સંપત્તિ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. સરકારની મંજૂરી મળ્યા બાદ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.

કેશવ લાલની કાળી કમાણીનો કિસ્સો ૨૦૧૭માં ત્યારે શરૂ થયો જ્યારે તે કાનપુરમાં તહેનાત હતા. આવકવેરા વિભાગના દરોડામાં તેના નોઇડા સેક્ટર-૩૪ સ્થિત ઘરમાંથી ૧૦ કરોડ રૂપિયા રોકડા અને ત્રણ કરોડના દાગીના મળી આવ્યા હતા. દરોડા દરમિયાન પૂજા ઘર, કબાટ, ગાદલા અને બાથરૂમના ફ્લશમાં છુપાવેલી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. તે સમયે તેઓ આ પૈસાનો સંતોષકારક હિસાબ આપી શક્યા ન હતા.

વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું કે કેશવ લાલે તેમના ગૃહ જિલ્લા ચંદૌલીથી લઇને ઉત્તર પ્રદેશના અનેક મોટા શહેરોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે લખનઉમાં બે વૈભવી ઘર, તેમજ કાનપુર, પ્રયાગરાજ, ગાઝિયાબાદ અને નોઇડામાં કિંમતી પ્લોટ અને ઘરો છે. આ સ્થાવર મિલકતોના દસ્તાવેજો મેળવ્યા બાદ વિજિલન્સે આને ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી માની છે.

તપાસ અહેવાલ અનુસાર કેશવ લાલની સમગ્ર કારકિર્દી દરમિયાન કાયદેસર સ્ત્રોતોમાંથી કુલ આવક માત્ર ૧.૩૪ કરોડ રૂપિયા હતી, તેનાથી વિપરીત તેમનો ખર્ચ અને રોકાણો ૧૮.૨૭ કરોડ રૂપિયાથી વધુ હતા. આ અનિયમિતતા અને ૧૦૦ કરોડ રૂપિયાની અંદાજિત સંપત્તિને પગલે સરકારે તેને ૨૦૧૭માં નિવૃત કરી દીધા હતા.