કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે ચાલી રહેલા એક ભયાનક રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ આખું નેટવર્ક કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ અત્યંત આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવતું હતું. આ રેકેટમાં અત્યાર સુધીમાં 60થી વધુ ગેરકાયદેસર ઓપરેશન થયા હોવાની આશંકા છે. આ કૌભાંડની ખાસિયત એ હતી કે ઓપરેશનના દિવસે હોસ્પિટલના કાયમી સ્ટાફને રજા આપી દેવામાં આવતી અને બહારથી બોલાવેલી ખાસ ટીમ ગણતરીના કલાકોમાં સર્જરી પતાવી પુરાવા ગાયબ કરી દેતી હતી. આ મેડિકલ માફિયાઓએ પુરાવા ન મળે તે માટે દર્દીઓના કોઈ કાયમી રેકોર્ડ પણ રાખ્યા નહોતા.
મળતી વિગતો અનુસાર આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શિવમ અગ્રવાલ ઉર્ફે કાના નામનો વ્યક્તિ છે, જે માત્ર ધોરણ 8 પાસ છે. તે અગાઉ એમ્બ્યુલન્સ ચલાવતો હતો, પરંતુ ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને તે લોકોને ડોક્ટર તરીકે છેતરતો હતો. આ નેટવર્ક માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નહોતું, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સક્રિય હતું. મેરઠના ડોક્ટર અફઝલે ટેલિગ્રામ પર ગ્રુપ બનાવી રાખ્યું હતું, જ્યાં કિડની આપનાર (ડૉનર) અને લેનાર (રિસીવર) વચ્ચે લાખો રૂપિયાના સોદા થતા હતા. આ નેટવર્કના તાર વિદેશી ગ્રાહકો સુધી પણ જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ રેકેટનો સૌથી ભયાનક ચહેરો દર્દીઓની હાલતમાં જોવા મળે છે. મેરઠની પારુલ તોમર નામની મહિલાએ પોતાની બંને કિડની ફેલ થતા આ ગેંગનો સંપર્ક કર્યો હતો. અંદાજે 80 લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચવા છતાં, હોસ્પિટલની બેદરકારી અને અસ્વચ્છતાને કારણે તેમને ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું છે. હાલમાં તેમનું હિમોગ્લોબિન લેવલ ઘટી ગયું છે અને તેઓ લખનઉની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બિહારના સમસ્તીપુરનો MBAનો વિદ્યાર્થી આ કેસમાં ડૉનર બન્યો હતો, જેની હાલત પર પણ ડોક્ટરો નજર રાખી રહ્યા છે.
પોલીસની તપાસ તેજ થતા કાનપુરની ‘આરોહી હોસ્પિટલ’ અને ‘આહૂજા હોસ્પિટલ’ પર દરોડા પાડી તેમને સીલ કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે કાનપુર મેડિકલ કોલેજ પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી નથી, છતાં ખાનગી હોસ્પિટલોમાં આ ગોરખધંધો ધમધમી રહ્યો હતો. પોલીસ અત્યાર સુધીમાં અનેક ડોક્ટરો અને હોસ્પિટલ સંચાલકોની ધરપકડ કરી ચૂકી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ આ મેડિકલ માફિયાઓના વધુ મોટા માથા અને આંતરરાષ્ટ્રીય કનેક્શનના નામો બહાર આવશે.