Wed Aug 19 2026

Logo

મસ્તરામની મસ્તી: કાન કરે રાડા રાડી, પણ સાંભળે કોણ?

2026-08-09 10:19:00
Author: Milan Trivedi
Article Image

 

 

 

- મિલન ત્રિવેદી

 

કાને બૂમ પાડી, મેં ધ્યાન ના આપ્યું. હવે એ રાડારાડી કરે છે. મારે સાંભળવી છે તો સંભળાતી નથી.

 

આજે મારો જન્મદિવસ છે અને મારી તીવ્ર ઇચ્છા એવી છે કે હું ઘડીક માટે ઈંટો-સિમેન્ટની દીવાલ બની જાઉં. કોઈ મહાન જ્ઞાની મહાશયે કહ્યું છે કે ‘દીવાલોને પણ કાન હોય છે.’ મારે અત્યારે એ જ દીવાલવાળા કાનની તાતી જરૂર છે, કારણ કે લોકો મારી પાછળ જે ઘૂસપૂસ કરે છે તે કાનની 50 ટકા ક્ષમતા સાથે સાંભળવામાં લોચા પડે છે!

 

વાત એમ છે કે પ્રભુએ મને બાય-ડિફૉલ્ટ એક કાનમાં 50% જ ક્ષમતા આપી હતી. એમાંય તાજેતરમાં એ 50%ના અડધા એટલે કે બીજા 50% કાનભાઈએ બંધ કરી દીધા. ગણિતના સાદા હિસાબે હવે મારી પાસે માત્ર 25% સાંભળવાની ‘લાઇટ’ બચી છે. આ 25% સાંભળવાની શક્તિ સાથે દુનિયાનો સામનો કરવો એટલે સાઇકલના ટાયરમાં હવા ઓછી હોય ને હિમાલય ચડવા નીકળવું!

 

કાન પુરાણનો પહેલો અધ્યાય મુંબઈથી શરૂ થાય છે. હું એક મોભાદાર કાર્યક્રમમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો. ત્યાં અચાનક મારા કાનભાઈએ રાતોરાત હડતાલ પર ઊતરી જવાનું નક્કી કર્યું. કાનભાઈ અંદરથી રાડારાડી તો ઘણી કરતા હશે કે ‘હવે મારે કામ નથી કરવું!’, પણ પ્રશ્ન એ જ હતો કે એમની રાડો સાંભળે કોણ? હું તો 25%માં જ જીવતો હતો! છેવટે જ્યારે કાનભાઈએ ‘અસહ્ય દુખાવાનું’ આખરી હથિયાર ઉપાડ્યું, ત્યારે મને ભાન થયું કે મામલો ગંભીર છે અને મારે એમને દાદ આપવી પડી.

 

મુંબઈના એક સ્થાનિક ઈ.એન.ટી. (ENT) ડૉક્ટર પાસે પહોંચ્યો. હોળીના તહેવારમાં માશૂકાને પિચકારીમાં રંગ ભરીને જે રીતે ભરી મૂકવાની એક અલગ જ મજા હોય છે, બસ, એ જ મજા ડૉક્ટરે 10 ળહ ની મોટી સિરિંજ વડે મારા કાનમાં પાણીની સરસરાટી બોલાવીને લીધી! મને લાગ્યું કે મારા કાનની અંદર કોઈએ મ્યુનિસિપાલિટીની વૉટર લાઇનનું કનેક્શન જોડી દીધું છે. કાનનું આ ‘શાહી સ્નાન’ પત્યા પછી થોડી રાહત થઈ, પણ કાયમી ઉકેલ માટે હોમટાઉન ભેગા થવું જરૂરી હતું.

 

મુંબઈથી ભાગીને હું રાજકોટ આવ્યો. રાજકોટ આવીને મારા અંગત મિત્ર સમા ડોક્ટર હેમાણી વિમલને બતાવવાનું નક્કી કર્યું. અમે એમને પ્રેમથી અને ટૂંકમાં ‘હેવી’ કહીને બોલાવીએ છીએ. અલબત્ત, એમણે મને સખત મનાઈ ફરમાવી છે કે એમનું વજન 95 કિલો છે એવું જાહેર ન કરવું! પણ હવે આટલી વજનદાર મિત્રતા હોય પછી કાનનો દુખાવો ક્યાં સુધી ટકી શકે? ડૉક્ટર ‘હેવી’ સાહેબે પોતાનાં ખાસ સાધનો વડે મારા કાનની ‘આંતરિક તપાસ’ શરૂ કરી. એમણે કાનમાં એવું ચમચમાતું ટૉર્ચ માર્યું જાણે અંદર કોઈ ગુપ્ત ખજાનો શોધી રહ્યા હોય!

 

ઓછા સંભળાવાના પોતાના જ એક અલગ ફાયદા અને ગેરફાયદા છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે: એક જે બહુ બોલે છે, અને બીજા જે કાનના દર્દી હોય છે! જ્યારે તમને 25% સંભળાતું હોય ત્યારે પત્ની કે સાસુ શાકભાજી લેવા મોકલે કે ઘરકામનું લિસ્ટ આપે ત્યારે ‘મને કશું સંભળાતું નથી’ એવું નિર્દોષ મોઢું બનાવીને છટકી જવાની કેવી સ્વર્ગીય મજા છે, એ તો માત્ર બહેરા માણસો જ સમજી શકે! પણ ગેરફાયદો એ થાય કે પાડોશી ‘કેમ છો?’ પૂછે અને આપણે ‘હા, દૂધ લીધું!’ એવો ઉત્તર આપી બેસીએ.

 

સારા કાનવાળા લોકો ઘણીવાર દુ:ખી રહે છે, કારણ કે તે નકામી પંચાતો અને નિંદાઓ સાંભળે છે. આપણે તો 25%ના ફિલ્ટર સાથે જીવીએ છીએ. સામેવાળો ગાળ આપે તોય આપણને એમ જ લાગે કે એ જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યો છે!

 

 તબીબી વિજ્ઞાન ગમે તે કહે, પણ કાનના ડૉક્ટરોની પોતાની જ એક અલગ દુનિયા હોય છે. તમે કાન બતાવવા જાવ એટલે ડૉક્ટર પહેલાં પૂછશે, ‘કાનમાં કાઈ નાખ્યું હતું?’

 

આપણી સળી કરવાથી સ્કિલ પર તેમનો કેવડો ભરોસો?

 

પછી એ ટ્યુનિંગ ફૉર્ક (ચીપિયો) લાવશે, એને ટેબલ પર ઠોકશે અને તમારા કાન પાસે લાવીને પૂછશે, ‘અવાજ આવે છે?’ આપણને થાય કે ભાઈ, તું ટેબલ ઠોકે છે એનો જ અવાજ આવે છે, ચીપિયાનો તો રામ જાણે!

 

બહેરાશના કિસ્સાઓ પણ ભારે રમૂજી હોય છે. મારા એક ઓળખીતા કાકાને કાનમાં ઓછું સંભળાતું હતું. એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બાજુ વાળાએ પૂછ્યું, ‘કાકા, ક્યાં જાવ છો?’ કાકા કહે, ‘ના ના, હું તો આણંદ જાવ છું!’ પેલો કહે, ‘હું પણ ત્યાં જ જાઉં છું.’ તો કાકા હસીને બોલ્યા, 

 

‘અરેરે! મને એમ કે તમે આણંદ જાવ છો!’ આવા સંવાદોથી દુનિયા ચાલતી રહે છે.

 

બીજો એક કિસ્સો એક ડૉક્ટરનો છે. એક દર્દી કાનની સખત બહેરાશની ફરિયાદ લઈને ગયો.

 

ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, ‘તમારા કાનમાં તો મીણ અને કચરાનો પર્વત જામ્યો છે.’

 

દર્દી બોલ્યો, ‘સાહેબ, મોટેથી બોલો, મને કાંઈ સંભળાતું નથી!’

 

ડૉક્ટરે કાન સાફ કર્યો અને પૂછ્યું, ‘હવે સંભળાય છે?’

 

દર્દીએ ખુશ થઈને કહ્યું, ‘અરે વાહ ડૉક્ટરસાહેબ! હવે તો એકદમ ક્લિયર સંભળાય છે.’

 

ડૉક્ટરે કીધું તો 2000 રૂપિયા આપો

 

દર્દીએ કાન પર હાથ મૂકી દીધો અને બોલ્યો, ‘શું કહ્યું? કેટલા? અરેરે, પાછું સાંભળવાનું બંધ થઈ ગયું!’

 

કાનની આ હડતાલ અને 25%ના ગણિત વચ્ચે મને એક વાત સમજાઈ ગઈ છે. માણસે પોતાના કાન એટલા ખુલ્લા ન રાખવા જોઈએ કે દુનિયાનો કચરો અંદર ઘૂસી જાય અને એટલા બંધ પણ ન રાખવા જોઈએ કે સારી ટકોર ન સંભળાય.

 

આજના મારા જન્મદિવસે હું ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરું છું કે મને 100% કાન ન આપે તો ચાલશે, પણ જે 25% બચ્યા છે એમાં દુનિયાની સંગીતમય વાતો અને મિત્રોના અટ્ટહાસ્ય સંભળાતાં રહે. બાકી તો, જો વધુ તકલીફ પડશે તો હું ખરેખર કોઈ જૂના મહેલની દીવાલ થઈ જઈશ, જેથી લોકોની ગુપ્ત વાતો સાંભળવાની આજીવન મજા લઈ શકાય!

 

વિચાર વાયુ:

 

સંભળાતું નથી એ ફરિયાદ છે. સાંભળતો નથી એવું નથી હોં...!