Sun Apr 19 2026

Logo

વિશેષઃ આ મંદિરમાં 100 વર્ષ જૂનું ઘી પણ બગડતું નથી!

2026-03-09 11:49:31
Author: Mumbaisamachar Team
Article Image

 

કવિતા યાજ્ઞિક

આપણો દેશ મંદિરોનો દેશ છે. પરદેશી વિધર્મી લૂંટારાઓએ હજારો મંદિરોનો ધ્વંસ કર્યો, તેમ છતાં આજે પણ લાખોની સંખ્યામાં મંદિરો આસ્થાની જ્યોત જગાવતા ઊભા છે. ગુજરાતમાં પણ અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જ્યાં મંદિરો હોય ત્યાં ચમત્કૃતિ પણ જોડાયેલી હોય છે. પ્રત્યેક મંદિરમાં દરેક ભક્તનો પોતાનો અનોખો અનુભવ હોય છે. તેના આધારે જ તેની આસ્થા તે સ્થાન સાથે જોડાયેલી હોય છે. ઘણી બાબતોને આપણે અંધશ્રદ્ધા કહીને શંકાની નજરે જોઈ શકીએ છીએ. પણ, જે નરી આંખે દેખાતું હોય તેને કેવી રીતે નકારી શકાય? 

આજે આવા જ એક મંદિરની વાત કરવી છે, જ્યાં છેલ્લાં 600થી વધુ વર્ષોથી સતત ઘીનો ચઢાવો થાય છે. જેટલું ઘી મંદિરમાં વપરાય છે, તેનાથી વધારે રોજ ચઢાવામા આવે છે. તેમ છતાં, વર્ષોથી સંગ્રહ કરેલું ઘી, બગડતું નથી, કે તેમાં જીવાત પડતી નથી, કે નથી તેમાં કોઈ વાસ બેસી જતી. ગમે તેટલું શુદ્ધ ઘી ઘરમાં અમુક સમય પછી બગડવા લાગે છે. જ્યારે અહીંયા દાયકાઓથી ઘીનો સંગ્રહ કોઈપણ જાતના બગાડ વગર સચવાયો છે! 

આ મંદિર છે શ્રી કામનાથ મહાદેવ મંદિર, રઢૂ ગામ, ગુજરાતમાં. રઢૂ ગામ, ખેડા જિલ્લામાં આવેલું છે, જે અમદાવાદથી લગભગ 50 કિમી અને નડિયાદથી લગભગ 35 કિમી દૂર વાત્રક નદીને કાંઠે આવેલું છે. આ મંદિરની કથા ઘણી રસપ્રદ છે. ગામમાં એક શિવભક્ત રહેતા હતા, જેમનું નામ હતું જેસંગભાઈ પટેલ. 

આજથી લગભગ 630 વર્ષ પહેલાની વાત છે. પહેલા વાત્રક નદીના બીજા કાંઠે પુનાજ ગામે મહાદેવજીનું મંદિર હતું. જેસંગભાઈનો નિયમ હતો કે મહાદેવના દર્શન કર્યા વિના મોઢામાં અન્નનો દાણો મૂકવો નહીં. એક વખત ચોમાસામાં વાત્રક નદીમાં પૂર આવતા સામે કાંઠે જવાય તેવું રહ્યું નહીં. જેસંગભાઈ પોતાના નિયમ પાલનમાં અડગ હતા. પૂર આઠ દિવસ રહ્યું. 

પરિણામે આઠ દિવસ સુધી તેમના ઉપવાસ થઇ ગયા. પણ તેઓ ડગ્યા નહીં. મહાદેવના દર્શન વિના પારણાં કરવા તૈયાર નહોતા. કહે છે કે આઠમાં દિવસની રાત્રે તેમને સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા અને ભગવાને કહ્યું કે તું પુનાજ ગામના મંદિરેથી ઘીનો દીવો પ્રગટાવીને તારી સાથે મને તારા ગામે લઇ જા. 

બીજે દિવસે સવારે જેસંગભાઈએ ગામના વડીલોને સ્વપ્નની વાત કરી. ગામના આગેવાનો શ્રદ્ધાપૂર્વક પુનાજ ગામે ગયા. ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવીને નીકળ્યા. તે દિવસે શ્રાવણ વદ-12 હતી. પુનાજ ગામ રઢૂથી આઠ કિલોમીટર થાય. તે દિવો વરસાદ અને પવનમાં પણ અખંડ રહ્યો હતો. ત્યારબાદ અહીં નાની દેરી બનાવી તેમાં દીવાની સ્થાપના સંવત 1445માં કરવામાં આવી હતી. 

તે દિવસ અને આજનો દિવસ....મહાદેવનો એ દીવો અખંડ ઝળહળી રહ્યો છે. ઈશ્વરની એવી કૃપા કે એક પણ દિવસ દિવા માટે ઘી વેચાતું લાવવું પડ્યું નથી. આ મંદિરના પ્રાંગણમાં યજ્ઞવેદીમાં પણ અગ્નિ હંમેશાં પ્રજ્વલિત રહે છે. જે રીતે મહાદેવના લિંગ ઉપર જળાધારી બંધાય, તેમ યજ્ઞવેદી પર જળાધારી બાંધીને તેમાં ઘીની ધાર થતી રહે છે. 

આ ઘી ક્યારેય મંદિરની બહાર લઈ જવામાં આવતું નથી કે અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં લેવાતું નથી. તેનો ઉપયોગ મંદિરના પ્રાંગણમાં પ્રગટાવવામાં આવતી વલ્લી જ્યોત (પવિત્ર જ્યોત) અને મંદિરના પ્રાંગણમાં કરવામાં આવતા યજ્ઞમાં થાય છે. ભક્તો અહીં શ્રદ્ધાપૂર્વક માનતા માને છે અને તે પૂરી થતાં ઘી ભેટમાં આપે છે, કોઈને પણ ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે પણ મહાદેવના ચરણે ઘી ભેટ અપાય છે. 

તેને કારણે જેટલું ઘી વપરાય તેનાથી અનેકગણું જમા થતું રહે છે. આ સંકુલમાં ઘી સંગ્રહ માટે સમર્પિત ચાર રૂમ છે, જ્યાં આશરે 1,200 કાળી માટીના ઘડામાં ઘીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. મંદિરમાં દરરોજ 8 થી 10 કિલો ઘીનો વપરાશ છે. હાલમાં અહીં આશરે 80,000 કિલોગ્રામ ઘીનો સંગ્રહ થયેલ છે, જેમાંથી સૌથી જૂનું 100 વર્ષનું છે. 

સંવત 2056થી શ્રાવણ માસમાં આખો માસ હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. માટીના ઘડામાં ઢાંકણ ઢાંકીને રાખ્યું હોવા છતાં ઘી બગડતું નથી, દુર્ગંધ આવતી નથી કે જીવાત પડતી નથી, જે એક ચમત્કારથી કમ નથી. શ્રાવણ વદ બારસના દિવસે અહીં જ્યોતિ સ્વરૂપે મહાદેવની સ્થાપના થઇ હોવાથી એ દિવસે અહીં મેળો ભરાય છે. 

મહાદેવનો વરઘોડો નીકળે છે અને ઉત્સવ ઉજવાય છે. અહીં પાછળથી શિવલિંગ અને મહાદેવની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી. કહેવાય છે કે, ગુજરાતનું આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં મહાદેવ જ્યોતિ સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે અને લિંગ સ્વરૂપે, એમ ત્રણેય સ્વરૂપે એક સાથે બિરાજમાન છે.