Mon Oct 05 2026

Logo

ઝબાન સંભાલ કે: કલ્પવૃક્ષની કહેવત કથા

2026-09-27 09:36:00
Author: Henry Shastri
ઝબાન સંભાલ કે: કલ્પવૃક્ષની કહેવત કથા

 

 

 

- હેન્રી શાસ્ત્રી

 

આજનો આધુનિક માનવી રોબોટ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવા સતત મથી રહ્યો છે. ઈમોશનલ, રોમેન્ટિક કે પછી સાયકોલોજિકલ ઈચ્છાપૂર્તિ માટે આ મથામણ થઈ રહી છે. આ બંને મોડર્ન ટેકનોલોજી માનવીના આદેશનું પાલન સદૈવ તત્પર હોય છે. સમુદ્રમંથન વખતે નીકળેલું અને ચૌદ રત્નો પૈકી એક કલ્પવૃક્ષની નીચે બેસનાર જેનો સંકલ્પ કરે તે વસ્તુ તેને મળે એમ માનવામાં આવે છે. કલ્પવૃક્ષ અથવા કલ્પતરૂ અથવા કલ્પદ્રુમ તરીકે પણ ઓળખાતું વૃક્ષ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે. હિન્દુ પુરાણો, જૈન ધર્મ અને બોદ્ધ ધર્મમાં પણ એનું આલેખન છે. આજના રોબોટ અને એઆઈ આધુનિક જમનાના કલ્પવૃક્ષ કહી શકાય. ઘણી જગ્યાએ કલ્પવૃક્ષની સરખામણી પારિજાત સાથે થાય છે. પૌરાણિક કથા અનુસાર માતા સત્યભામાની જીદ પૂરી કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ સ્વર્ગમાં ઇન્દ્ર સાથે યુદ્ધ કરી પારિજાત (કલ્પવૃક્ષ)ને પૃથ્વી પર લાવ્યા હતા. કલ્પવૃક્ષ પર આધારિત લોકપ્રિય કહેવત કથા છે. આપણા વિચારો કેટલા શક્તિશાળી છે અને આપણે હંમેશાં કેમ સકારાત્મક વિચારવું જોઈએ એ આ કહેવત કથા શીખવે છે.

 

સદીઓ જૂની વાત છે. થાકેલો એક મુસાફર એક અજાણ્યા જંગલમાંથી પગપાળા જઈ રહ્યો હતો. એકધારું ચાલવાથી થાકી ગયો હતો અને તેને ભૂખ-તરસ પણ લાગ્યા હતા. એક ઘટાદાર વૃક્ષ દેખાતા એના છાંયામાં આવીને બેઠો. એ કોઈ સામાન્ય વૃક્ષ નહોતું, પરંતુ સ્વર્ગનું દૈવી કલ્પવૃક્ષ હતું. જોકે, મુસાફર એનાથી અજાણ હતો. શીતળ છાંયડામાં રાહત થતા એના મનમાં વિચાર આવ્યો કે `કેવી ઠંડક છે. અહીં બેસવા માટે એક સરસ ખાટલો મળી જાય તો મજા પડી જાય.' કલ્પવૃક્ષે તરત ઈચ્છાપૂર્તિ કરી અને એક સરસ મજાનો, નરમ ગાદલાવાળો પલંગ પ્રગટ થઈ ગયો. મુસાફરને ભારે અચરજ થયું. જોકે, ખૂબ થાકેલો હોવાથી તરત જ પલંગ પર લંબાવી સૂઈ ગયો. શરીરને ઘણી રાહત થઈ, પણ પેટમાં ભૂખના લીધે બિલાડા બોલતા હતા. એટલે એણે વિચાર્યું કે `ખાટલો તો મળી ગયો, પણ જો અત્યારે ભાવતા ભોજન મળી જાય તો બેડો પાર થઈ જાય.' કલ્પવૃક્ષે તેની આ ઈચ્છા પણ પૂરી કરી. તરત જ ગરમ અને સ્વાદિષ્ટ ભોજન સાથેની થાળી હાજર થઈ ગઈ. મનપસંદ ભોજનથી મુસાફરને તૃપ્તતાનો ઓડકાર આવી ગયો. ભોજન કર્યા પછી પલંગ પર આડો પડ્યો. આરામ કરતાં કરતાં તેના મનમાં એક નકારાત્મક (ખરાબ) વિચાર આવ્યો કે `આ જંગલ તો ભેંકાર અને ડરામણું છે. મેં જે માગ્યું તે બધું જ અચાનક આવી ગયું. આ કોઈ જાદુ કે ભૂત-પ્રેતની માયા તો નહીં હોય ને? જો અચાનક અહીં કોઈ વાઘ કે સિંહ આવી જાય અને મને ખાઈ જાય તો?' કલ્પવૃક્ષનો તો નિયમ જ હતો કે જે વિચારો તે તરત જ સાચું પડે. તરત જ ઝાડીઓમાંથી એક મોટો અને ભયાનક વાઘ પ્રગટ થયો. મુસાફર ભાગે તે પહેલાં જ વાઘે એને ફાડી ખાધો.

આ વાર્તાનું કલ્પવૃક્ષ એટલે આપણું મન. જેવા વિચારો આપણે કરીએ એવું જ પરિણામ આપણને વાસ્તવિક જીવનમાં મળે છે. જો આપણા વિચારો સારા હશે તો આપણી આસપાસ એવી જ પરિસ્થિતિ સર્જાશે. જો આપણે સતત ડર, વહેમ, ઈર્ષ્યા કે વિનાશનું વિચારીશું, તો આપણે પોતે જ આપણી મુશ્કેલીઓને આમંત્રણ આપીશું. એટલે હંમેશાં મનને સકારાત્મક અને શુદ્ધ વિચારોથી ભરેલું રાખવું જોઈએ.

 

ભાષા વૈભવ 

 

એક કહેવત અનેક સ્વરૂપ 

 

માણસને એક જીવતરમાં અનેક પ્રકારના અનુભવ થતા હોય છે. પ્રેમ, વિશ્વાસ, દયાનો અનુભવ થાય તો ધિક્કાર, દગો અને નિર્દયતા પણ અનુભવવા પડે. છળ, કપટ, ફરેબ, વિશ્વાસઘાત વગેરે ભાષામાં દગાના સગા કહેવાય, પણ કહેવત તો દગો કોઈનો સગો નહીં એવી છે. ખોટું કામ કરનાર, અનીતિ આચરનાર એના ફળ પોતે જ ભોગવે છે. આ કહેવત એક વિસ્તૃત સ્વરૂપે પણ હાજર છે: દગા કીસીકા સગા નહોં, કિયા ન હોય તો કર કે દેખો - દગો કોઈનો સગો નથી, જો વિશ્વાસ ન આવતો હોય તો કરીને જુઓ. ટૂંકમા બીજા સાથે દગો અથવા વિશ્વાસઘાત કરનારી વ્યક્તિને ક્યારેય સુખ મળતું નથી. સમય જતાં તેની સાથે પણ દગો થાય છે. ખાડો ખોદે તે પડે કહેવતમાં પણ આ જ ભાવ પ્રગટ થાય છે. સમાનાર્થી બીજી કહેવત સાંભળવામાં મજેદાર લાગે એવી છે એના ટાંટિયા એના ગળામાં.પોતાની જ યુક્તિ કે ચાલમાં પોતે જ ફસાઈ જવું. કોઈ વ્યક્તિ બીજાનું ખરાબ કરવા કે બીજાને ફસાવવા માટે કોઈ યોજના બનાવે, પણ છેવટે તે પોતે જ એનો ભોગ બની જાય અથવા મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે આ કહેવત વપરાય છે. હિન્દીમાં अपने ही जाल में फस जाना કહેવત છે જ ને. મરાઠીમાં આ કહેવત त्याचे पाय त्याच्याच गळ्यात સ્વરૂપે હાજર છે. અંગ્રેજીમાં Evil to him, who thinks evil એ જ ભાવાર્થ સાથે હાજર છે. કહેવત ભાવના થોડા વિસ્તાર સાથે નીતિ - અનીતિને સાંકળી જોવા મળે છે: નીતિએ નારાયણ  વસે, અનીતિએ કૂતરાં ભસે. નારાયણ સદગુણનું અને કૂતરાં અવગુણનું પ્રતીક છે. કપટ ત્યાં ચપટ (દગો કરનારનો નાશ થાય છે), દાનત તેવી બરકત અને જિસકી દાનત બુરી ઉસકે ગલે છૂરી કહેવતોમાં પણ આ જ ભાવાર્થ ડોકિયાં કરે છે. કુડના દાંડિયા કપાળમાં વાગે કહેવત પણ સમજવા જેવી છે. કુડ એટલે કપટ, છળ, ખોટું, અથવા પાપ અને દાંડિયા એટલે લાકડીના ફટકા. કપટ કરનાર વ્યક્તિ ગમે એટલી ચતુરાઈ વાપરે, પણ અંતે તેનું પાપ જ તેની મુશ્કેલી કે વિનાશનું કારણ બને છે (જેમ કે કપાળમાં લાકડી વાગવી). એક દોહરામાં પણ આ વાત સુપેરે પ્રગટ થઈ છે: ખોદેગા સો પડેગા, તુમ ફિકર ના રાખો ભાઈ, ચિઠ્ઠી આપી બ્રાહ્મણને, ગધ્ધે ચડ્યો નાઈ. બ્રાહ્મણને ચિઠ્ઠી પહોંચાડવાનું કામ આપવું એ અવિવેક ગણાતો અને નાઈને જો બીજું કોઈ કામ આપો તો એ હાસ્યાસ્પદ બની જતો એ એનો ભાવાર્થ છે.