Fri May 01 2026

Logo

ટ્રેનની મુસાફરીમાં મળશે ગીરનો આનંદ: જૂનાગઢ-ચલાલા વચ્ચે દોડશે દૈનિક સ્પેશિયલ ટ્રેન

2026-02-22 10:50:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં આંતરિક ભાગ એવા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં મુસાફરોને રેલવે સેવાનો લાભ મળી રહેશે. કારણ કે પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢ અને ચલાલા વચ્ચે મીટરગેજ સેક્શન પર  દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો વિસાવદર, બિલખા, ધારી સહિતના વિસ્તારોના લોકો અને ગીર સહિતના સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓને લાભ મળી રહેશે. 

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને મીટરગેજ સેક્શન પર જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ (સોમવાર) થી આ ટ્રેન વિશેષ ભાડા સાથે નિયમિતપણે દોડતી થશે. જૂનાગઢથી આ ટ્રેન સવારે ૧૦:૪૦ કલાકે ઉપડશે અને બપોરે ૧૪:૧૦ કલાકે ચલાલા પહોંચશે, જ્યારે પરતમાં ચલાલાથી બપોરે ૧૪:૪૦ કલાકે રવાના થઈ સાંજે ૧૭:૩૫ કલાકે જૂનાગઢ પરત ફરશે.

આ નવી ટ્રેન સેવા જૂનાગઢ અને ચલાલા વચ્ચેના પ્રવાસને વધુ સરળ બનાવશે અને માર્ગમાં આવતા તોરણીયા, બીલખા, જૂની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી જેવા મહત્વના સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. સ્થાનિક મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે રોજિંદા અવરજવર કરતા લોકોને રેલવે કનેક્ટિવિટીનો લાભ આપશે. ભાવનગર મંડળના આ નિર્ણયથી સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.