મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિજિટલ અને ટેલિકોમ્યુનિકેશન એકમ જિઓ પ્લેટફોર્મ લિ.ને 27 કરોડ સુધીના ઈક્વિટી શૅરનાં ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈફીઓ) આજે બોર્ડે મંજૂરી આપી હતી.
અત્રે રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિકક્ટર મુકેશ અંબાણીએ 49મી શેરધારકોની વાર્ષિક સભાને સંબોધતા જણાવ્યું હતું કે જિઓ પ્લેટફોર્મનાં બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)ને મંજૂરી આપી છે અને શુક્રવારે તેનું સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડમાં શુક્રવારે ફાઈલિંગ કરવામાં આવશે.
પ્રસ્તાવિત આઈપીઓ અંતર્ગત મૂળ રૂ. 10ની કિંમતના એક એવા 27 કરોડ સુધીનાં નવાં શૅર જારી કરવામાં આવશે. તેમ જ ઈશ્યૂ ભાવની આકારણી સેબીના નિયમનો અનુસાર બૂક બિલ્ડિંગ પ્રોસેસથી કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે જિઓ પ્લેટફોર્મ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી છે જે ગ્રૂપ ઑફ ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ સર્વિસીસ અને ટેક્નોલૉજી બિઝનૅસ સાથે સંકળાયેલી છે. જોકે, કંપનીએ ઈશ્યૂની પ્રાઈસ બૅન્ડ અથવા તો ઓફરિંગના કદ અંગે કોઈ માહિતી નહોતી આપી. જે મુખ્યત્વે અંતિમ ઈશ્યૂભાવ અને નિયમનકારી મંજૂરી પર આધીન છે.
જિઓના આઈપીઓને અંબાણીએ દેશના સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વૅલ્યૂ ક્રિએશન પ્રસંગ તરીકે ઓળખાવતા કહ્યું હતું કે આ લિસ્ટિંગ રિલાયન્સના શૅરધારકો માટે વૅલ્યૂ અનલોક કરશે, જ્યારે નવા રોકાણકારોને કંપનીના વિકાસમાં ભાગ લેવાની તક પૂરી પાડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ આઈપીઓની પ્રક્રિયાનું નેતૃત્વ મારા સંતાનો આકાશ, ઈશા અને અનંત લઈ રહ્યા છે અને તેઓ જ જિઓમાં વૃદ્ધિ અને મૂલ્યવર્ધનના આગલા તબક્કાની આગેવાની લેશે. જિઓનું પ્રસ્તાવિત લિસ્ટિંગ વિશ્વને દર્શાવશે કે ભારત પણ વૈશ્વિક સ્તરની ટેક્નોલૉજી કંપની ઊભી કરી શકે છે, વૈશ્વિક ક્ષમતા અને વૈશ્વિક મૂલ્ય ધરાવે છે.