Wed Aug 19 2026

Logo

જેતપુર: PGVCLના ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા મેવાસામાં ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બળીને રાખ

2026-03-07 18:48:44
Author: Devayat Khatana
Article Image

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામની સીમના ખેતરમાં આગ લાગવાની ઘટનામાં ખેડૂતની ઘઉંનો પાક બળી ગયો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાને ઘઉંના પાકમાં આગળ ભભૂકી ઉઠી હતી અને જોતજોતાંમાં આખી મોલાદ બળીને રાખ થઈ ગઈ હતી. 

મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુરના મેવાસા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવ અંગે સ્થાનિકો અને ખેડૂતએ વીજ કંપનીની બેદરકારીને કારણે આગ લાગી હોવાનો આરોપ કર્યો હતો. ખડૂતોએ જણાવ્યું હતું કે, ખેતરની નજીક આવેલા PGVCL ના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ભડાકો થયો હતો અને તેના કારણે ઉડેલા આગના તણખલા સૂકા ઘઉંના પાક પર પડ્યા હતા. સૂકા પાકને કારણે આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બનીને આખા ખેતરમાં ફેલાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા વાઘજીભાઈ દેલવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના ખેતરમાં રહેલા નીરણના જથ્થામાં અચાનક આગ લાગી હતી. તેને બુઝાવવા માટે દોડી ગયા હતા. દરમિયાન, વાડીમાંથી પસાર થતી જીઈબીની વીજ લાઈનનો એક તાર તૂટીને જમીન પર પડ્યો હતો અને તેના પર પગ  આવી જતાં તેમને જોરદાર વીજકરંટનો આંચકો લાગ્યો હતો. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.