Sun Sep 06 2026

Logo

જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ: નશામાં ધૂત શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

2026-02-19 22:18:24
Author: Devayat Khatana
જેતપુરની બ્લડ બેંકમાં દારૂની મહેફિલ: નશામાં ધૂત શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

જેતપુર:
શહેરના જૂનાગઢ રોડ પર આવેલી એક બ્લડ બેંકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી હતી. બ્લડ બેંક જેવી પવિત્ર જગ્યાએ નશાની હાલતમાં લોકો સાથે ગેરવર્તણૂક થતી હોવાની બાતમીના આધારે જેતપુર સીટી પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બ્લડ બેંકમાં કામ કરતો રોહિત ઉર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણી નામનો શખ્સ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેની પાસેથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી બ્લડ લેવા આવતા સામાન્ય નાગરિકો સાથે અભદ્ર વર્તન કરતો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો અને ગ્લાસમાં ભરેલો કેફી પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે સીલ કરી એફ.એસ.એલ. તપાસ માટે મોકલી આપ્યો હતો.

આ ગુનામાં રોહિત રૈયાણી ઉપરાંત દારૂ સપ્લાય કરનાર તરીકે જેતપુરના સીરાજ કુરેશી અને ગોંડલના બાલી વ્યાસના નામ પણ ખુલ્યા હતા. પોલીસે હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી અને ફરાર અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. બ્લડ બેંકમાં આ પ્રકારે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.