Wed Sep 09 2026

Logo

જેજુરીમાં ભાવિકો અને વિક્રેતાઓ વચ્ચે વિવાદ: પોલીસે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

2026-06-02 19:46:20
Author: Yogesh D. Patel
જેજુરીમાં ભાવિકો અને વિક્રેતાઓ વચ્ચે વિવાદ: પોલીસે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

મુંબઈ: પુણે જિલ્લામાં મંદિરની નગરી જેજુરીમાં પોલીસે સ્ટોલના માલિકો અને વિક્રેતાઓને અપીલ કરી છે કે તેઓ ભાવિકોને તેમની પાસેથી પૂજાની વસ્તુઓ ખરીદવા માટે દબાણ ન કરે અને જો ભાવિકોને રૂપિયા ચૂકવવાની ફરજ પાડવામાં આવે તો કાનૂની કાર્યવાહીની ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે.

ભગવાન ખંડોબાના મંદિરમાં દર્શન કરવા આવનારા ભાવિકોની અનેક ફરિયાદ બાદ આ ચેતવણી આપવામાં આવી છે. જેજુરી પોલીસ સ્ટેશનના અધિકારીએ સ્થાનિક સ્ટોલ માલિકો અથવા વિક્રેતાઓ દ્વારા ભાવિકોને ભંડારા (પીળો હળદર પાઉડર), ફૂલો અથવા મીઠાઇ સહિતની વસ્તુઓ ખરીદવા દબાણ કરવાના કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો.

પાર્કિંગને લઇ પણ વિવાદ થયો હતો, જ્યારે કેટલાક કિસ્સાઓમાં સ્ટોલ માલિકોએ ભાવિકો પાસે ભગવાનના દર્શન માટે રૂપિયા માગ્યા હતા. વિવાદ ટાળવા માટે પોલીસ અધિકારીઓએ સ્થાનિક સ્ટોલ માલિકો અને વિક્રેતાઓને ભાવિકો, ખાસ કરી મહિલાઓ અને બાળકો સાથે સલુકાઇથી વાત કરવાનું કહ્યું છે, એમ જેજુરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક વાઘચૌરેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)