સુરત: થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક દ્રશ્યએ ખાસ ચર્ચા જગાવી હતી. વિધાનસભામાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાને હાથ મિલાવતાં અને ગળે મળ્યા હતા. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે ફરી એકવાર બંને નેતાની જોડી એક સ્ટેજ પર જોવા મળી છે.
મળતી વિગતો અનુસાર, સુરતમાં આયોજિત એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા અને જેતપુર બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયા અને AAPના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને એક સ્ટેજ પર જોવા મળ્યા હતા. બંને નેતાઓ સ્ટેજ પર હસતાં હસતાં વાતો કરતાં કેમેરાની નજરે ચડયા હતા. બંનેની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી પણ ખૂબ નિકટતાથી વાતો કરતાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંનેએ એક જ સોફા પર બેસીને વાતો કરી હતી.
આપણે જાણીએ છીએ કે રાજકારણમાં ભલે ગમે તેટલા એક બીજા પર નેતાઓ આરોપ કરતાં હોય, પણ અંતે જાણે એક મેક જ હોય, તેમ સાથે હળતા મળતા જોવા મળતા હોય છે. ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હોય તેવી બે વિધાનસભા બેઠકો એટલે જેતપુર અને વિસાવદર. થોડા દિવસ પહેલા વિધાનસભામાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાને હાથ મિલાવતાં અને ગળે મળ્યા હતા.
આ દ્રશ્યએ ભારે ચર્ચા જગાવી હતી. તેનું કારણ છે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં ભાજપે ઇન્ચાર્જની જવાબદારી જયેશ રાદડિયાને શિરે આપી હતી. જો કે એ નોંધવું રહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ ન તો સીધો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યો હતો કે ન તો ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયાનું નામ લીધું હોય.
આ મામલે ખૂબ જ ચર્ચા જાગી હતી અને વિધાનસભામાં જયેશ રાદડિયા સાથે થયેલી મુલાકાતના વાયરલ વીડિયો મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પ્રીતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નિખાલસપણે વાત કરી હતી કે , "ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામરામ, કેવું છે કેવું નથી. માર્ગદર્શનની આપ-લે, વગેરે વગેરે, કોઈ ખાસ ચર્ચા છે નહિ."