Sun Sep 06 2026

Logo

મુંબઈના 15 વર્ષીય સ્પિનર જય ઠક્કરનો ઇંગ્લૅન્ડની પિચ પર તરખાટ

2026-07-16 20:43:26
Author: Ajay Motiwala
મુંબઈના 15 વર્ષીય સ્પિનર જય ઠક્કરનો ઇંગ્લૅન્ડની પિચ પર તરખાટ

મુંબઈઃ ઇંગ્લૅન્ડની ક્રિકેટ પિચો પર તેમ જ ત્યાંના હવામાનમાં સામાન્ય રીતે સ્પિનરને ખાસ કંઈ દાદ નથી મળતી હોતી જ્યારે ફાસ્ટ બોલર્સને સારી પેસ મળવા ઉપરાંત સીમની મૂવમેન્ટ પણ મળતી હોય છે, પરંતુ મુંબઈના 15 વર્ષના ગુજરાતી ઑફ-સ્પિનર જય ઠક્કરે તાજેતરમાં ત્યાંની મૅચોમાં જે તરખાટ મચાવ્યો એના પરથી ક્રિકેટ જગતને સંકેત મળી ગયો છે કે ટૂંક સમયમાં ભારતમાંથી નવી ટૅલન્ટ ક્રિકેટના વ્યાપક ફલક પર છવાઈ જશે.

ભારતે જેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને તાજેતરમાં ધમાકેદાર બૅટિંગ માટે જાણીતો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આપ્યો એમ હવે 15 વર્ષીય જય ઠક્કર પણ ધૂમ મચાવવા તૈયાર થઈ ગયો છે. મુંબઈ ક્રિકેટ ક્લબ (એમસીસી)ના યુવા સ્પિનર જય ઠક્કરે જૂન-જુલાઈની યુકે ટૂર દરમ્યાન એક ટૂર્નામેન્ટમાં કુલ 23 વિકેટ લીધી હતી જે તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી.

સ્પિનર્સને ફ્લાઇટેડ બૉલ ફેંકવામાં તેમ જ ટર્ન કરવામાં ભાગ્યે જ મદદ મળે એવા પ્રતિકૂળ હવામાન અને ફેવરેબલ ન હોય એવી પિચ પર જય ઠક્કરે ઓવર દીઠ 3.00થી 3.50નો ઇકોનોમી-રેટ જાળવી રાખીને શિસ્તબદ્ધ સ્પિન બોલિંગના શાનદાર કૌશલ્ય સાથે સૌને ચોંકાવી દીધા હતા.

અગાઉ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ક્યારેય એમસીસીના કોઈ બોલરે આટલી મોટી સંખ્યામાં (23) વિકેટ નહોતી લીધી, પરંતુ લંડનથી પાછા આવેલા જય ઠક્કરે પોતાના ક્લાસ, ક્નટ્રોલ અને કૅરેક્ટરની ખાસિયતથી ત્યાંની કઠિન પરિસ્થિતિમાં પણ આ સફળતા મેળવી હતી. તેણે એ પણ પુરવાર કર્યું છે કે કઠિન પરિસ્થિતિમાં સ્પિનર માટે પિચ એકમાત્ર શસ્ત્ર નથી હોતું, પણ મનોબળ, રિધમ અને આત્મવિશ્વાસ તેમ જ જોશ પણ પૂરતા હોય છે.

એમસીસીના ઊભરતા સિતારાઓને જ્વાલા સિંહનું સુંદર માર્ગદર્શન મળવા ઉપરાંત ચામિન્ડા વાસ, વસીમ જાફર અને વિનાયક સામંત જેવા લેજન્ડનો સપોર્ટ પણ મળી રહે છે. આશા છે કે જય હવે મુંબઈની પિચો પર પણ પ્રભુત્વ જમાવશે અને થોડા સમયમાં ટીમ ઇન્ડિયાના બ્લુ ટી-શર્ટમાં પણ જોવા મળશે.