Tue May 05 2026

Logo

1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં જામનગર TADA કોર્ટે 12ને દોષિત ઠેરવ્યા, જાણો આખો કેસ

2026-05-05 08:47:18
Author: MayurKumar Patel
Article Image

જામનગરઃ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં જામનગર TADA કોર્ટે 12ને દોષિત ઠેરવ્યા હતા. બાબરી ધ્વંશનો બદલો લેવા  લેવા માટે ભારતમાં આતંક મચાવવાના ઈરાદે પાકિસ્તાનથી ઘડાયેલા ગોસાબારા આર.ડી.એક્સ અને હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે 12ને દોષિત જાહેર કર્યા હતા. વર્ષ 1993માં પોરબંદરના દરિયાકાંઠે મોટાપાયે વિસ્ફોટકો અને ઘાતક હથિયારો ઉતારી દેશના વિવિધ ભાગોમાં મોકલવાના આ મસમોટા કાવતરામાં સંડોવાયેલા સ્થાનિક અને આંતરરાજ્ય શખ્સો સામેનો ગુનો સાબિત થયો હતો. આ ચુકાદા સાથે આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ગુજરાત સરકારને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

TADA કોર્ટે શું ફટકારી સજા

33 વર્ષ જૂના આ કેસમાં જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ (TADA ) અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ 12 આરોપીઓને સજા ફટકારી હતી. 10 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ. 5,000નો દંડ જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 8,000નો દંડ ફટકારવામાં આવ્યો હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, તેના ભાઇ અનિશ અને ટાઇગર મેમણ સહિતનાં 15 આરોપીઓને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયા હતા.

ગોસાબારા લેન્ડીંગ કેસ તરીકે ઓળખાતા આ કેસમાં કુલ 46માંથી 11 આરોપીઓ કેસ ચાલવા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 6 આરોપીઓને સુપ્રિમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા. બાકીના 29 આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.

દાઉદ ઈબ્રાહીમના ઘરે ઘડાયું હતું કાવતરું
 
પ્રોસીક્યુશન પક્ષ તે સાબિત કરવામાં સફળ રહ્યો હતો કે દુબઈમાં દાઉદ ઈબ્રાહીમના ઘરે આ કાવતરું ઘડાયું હતું અને પાકિસ્તાનની મદદથી તેને અંજામ આપવામાં આવ્યો હતો.તપાસની વિગતો મુજબ, 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંશ બાદ દેશમાં અરાજકતા ફેલાવવા માટે દાઉદ ઈબ્રાહીમ અને મુસ્તુફા ડોસાએ જામનગર અને કચ્છના શખ્સોની મદદથી દરિયાઈ માર્ગે હથિયારો ઘુસાડ્યા હતા. ‘સદા અલ બહાર’ નામની બોટ મારફતે કરાંચી નજીક પાકિસ્તાની મરીન સિક્યુરીટીની બોટમાંથી આરડીએક્સ, 150 હથિયારો અને હેન્ડ ગ્રેનેડનો જથ્થો મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારી લેવાયો હતો. એ પછી તેને ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યો હતો.

ક્યા 12ને દોષિત જાહેર કર્યા

આ મામલે જામનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આ કેસમાં 15 આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા હતા, જેમાં દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, અનીશ ઈબ્રાહીમ અને છોટા શકીલનો સમાવેશ થતો હતો. કોર્ટે જે 12 શખસો દોષિત ઠેરવ્યા  તેમાં ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંધાર, એહમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ મેમણ, ઈફતેખાર અંસારી, મહંમદ અયુબ ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઈસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

વર્ષ 1993થી શરૂ થયેલી આ તપાસ 2018 સુધી  ચાલી હતી. 33 વર્ષ બાદ નોંધાયેલા પુરાવાઓ અને 63 સાહેદોની તપાસ બાદ તમામ સાહેદોએ પ્રોસીક્યુશનના કેસને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને વિસ્તૃત દલીલોના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.