Sun Mar 08 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં 14 પર્યટન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત, પ્રવાસનને વેગ મળશે...

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ બંધ કરવામાં આવેલા 14 પર્યટન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.  લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ જાહેરાત કરી છે.  જેમાં કાશ્મીરમાં 11 અને જમ્મુના ત્રણ સ્થળનો સમાવેશ થાય છે.  હાલ બરફ ઓછો થયા  બાદ અન્ય સ્થળો ફરી ખુલશે જેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.

સુરક્ષા સમીક્ષા અને ચર્ચા પછી નિર્ણય 

આ અંગે લેફ્ટનન્ટ ગવર્નર કાર્યાલયે જણાવ્યું હતું કે પર્યટન સ્થળો ફરીથી ખોલવાનો નિર્ણય વિગતવાર સુરક્ષા સમીક્ષા અને ચર્ચા પછી લેવામાં આવ્યો છે. આ સ્થળોમાં બડગામ જિલ્લામાં યુસમાર્ગ અને દૂધપથરી, કોકરનાગમાં દાંડીપોરા પાર્ક, શોપિયામાં પીર કી ગલી, દુબજન અને પદપાવન, શ્રીનગરમાં અસ્તાનપોરા અને ટ્યૂલિપ ગાર્ડન, ગાંદરબલમાં થાજવાસ ગ્લેશિયર અને હુંગ પાર્ક અને બારામુલ્લામાં વુલર/વટલાબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જમ્મુ ના ત્રણ પર્યટન સ્થળો, રિયાસી જિલ્લાના દેવી પિંડી, રામબનના માહુ મંગત અને કિશ્તવાડના મુગલ મેદાનને પણ તાત્કાલિક અસરથી ખોલવામાં આવી રહ્યા છે.

અમુક સ્થળો બરફ પીગળ્યા પછી ફરીથી ખોલવામાં આવશે

આ ઉપરાંત એવી પણ જાહેરાત કરવામાં આવી  હતી કે કાશ્મીર વિભાગમાં ગુરેઝ, અઠવા અને બંગુસ અને રામબન જમ્મુ વિભાગમાં રામકુંડ બરફ પીગળ્યા પછી ફરીથી ખોલવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવાર સહિત 26 લોકો માર્યા ગયા હતા.