જાલના: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેના વિરોધ સ્થળ નજીક ભૂખ હડતાળ પર ઉતરેલા ચાર ઓબીસી કાર્યકરોની પોલીસે કાયદો અને વ્યવસ્થા કથળી જવાના કારણ આપી સોમવારે અટકાયત કરી હતી.
આ જૂથે રવિવારે જરાંગેના આંદોલન સ્થળથી 400 મીટર દૂર અંતરવાળી સરાટી ગામમાં ભૂખ હડતાળ શરૂ કરી રાજ્ય સરકાર ઉપવાસ કાર્યકર્તાને વિશેષ સગવડ આપી રહી છે અને ઓબીસી અધિકારોની અવગણના કરી રહી છે એવો આરોપ મૂક્યો હતો.
કાયદો - વ્યવસ્થાની સમસ્યા તેમ જ ટ્રાફિક વિક્ષેપની સંભાવનાને પગલે પોલીસે ઓબીસી વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. દેખાવકારોને જણાવવામાં આવ્યું હતું કે તેમને ગ્રામ પંચાયત કે જમીન માલિક તરફથી સ્થળનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.
જરાંગેના અનિશ્ચિત ઉપવાસ તેના 10મા દિવસમાં પ્રવેશ્યા છે. તબીબી સહાય, પાણી અને આઈવીએફનો ઇનકાર કર્યા પછી તેમની તબિયત બગડી ગઈ હોવાના અહેવાલ છે.