Sat Sep 05 2026

Logo

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ફરી ગરમાયો , વિપક્ષે સરકાર પાસે માંગ્યો જવાબ...

2026-02-15 18:52:20
Author: Chandrakant Kanoja
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ફરી ગરમાયો , વિપક્ષે સરકાર પાસે માંગ્યો જવાબ...

તિરુવનંતપુરમ: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. જેમાં  સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી પૂર્વે  આ મુદ્દે  રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં  વિપક્ષે સત્તાધારી LDF સરકાર પાસેથી સ્પષ્ટ વલણની માંગ કરી છે. વિપક્ષે સરકારને પૂછ્યું છે કે શું સરકાર મહિલાઓના પ્રવેશને સમર્થન આપશે કે કોર્ટમાં પોતાનું અગાઉનું સોગંદનામું પાછું ખેંચશે.

સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી 

આ મુદ્દો હાલ એટલે ચર્ચામાં આવ્યો છે કારણ કે  સુપ્રીમ કોર્ટ સોમવારે વર્ષ 2018 ના નિર્ણય સંબંધિત સમીક્ષા અને રિટ અરજીઓ પર વિચારણા કરવાની છે. જેમાં તમામ ઉંમરની મહિલાઓને ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે સરકારે કોર્ટમાં જતા પહેલા જાહેર જનતા સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. તેમનો આરોપ છે કે સરકાર આ સંવેદનશીલ મુદ્દા પર સ્પષ્ટ નથી. 

સરકાર મહિલાઓના પ્રવેશના પક્ષમાં છે કે નહિ 

આ વિવાદ અંગે વિપક્ષના નેતા વી.ડી. સતીસને મુખ્યમંત્રી વિજયનને પૂછ્યું કે શું સરકાર હજુ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના અગાઉના સોગંદનામા પર અડગ છે. તેમણે કહ્યું કે જો સરકાર મહિલાઓના પ્રવેશના પક્ષમાં હોય  તો તેમણે કોર્ટમાં આ વાત મજબૂતીથી જણાવવી જોઈએ. જો નહીં  તો સોગંદનામું પાછું ખેંચવું જોઈએ. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે એમ પણ કહ્યું કે કેરળમાં સરકાર પાસેથી સ્પષ્ટ વલણની માંગ થઈ રહી છે અને પાછળ હટવું એ જનતા સાથે વિશ્વાસઘાત હશે.

વિપક્ષના આરોપોને ફગાવી દીધા

જ્યારે બીજી તરફ સત્તાધારી  સીપીઆઈ(એમ) એ વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. પાર્ટીના રાજ્ય સચિવ એમ.વી. ગોવિંદને કહ્યું કે સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે અને તેને હવે જાહેર કરવાની કોઈ જરૂર નથી. તેમણે ઉમેર્યું કે ભક્તોની લાગણીઓ અને લોકશાહી મૂલ્યો બંનેનું સન્માન કરવામાં આવશે.