Tue Sep 08 2026

Logo

આયરલૅન્ડ વર્લ્ડ કપમાં નથી છતાં આઇરિશો અમેરિકા-કૅનેડા પહોંચી ગયા!

New York   2026-06-20 18:24:25
Author: Ajay Motiwala
આયરલૅન્ડ વર્લ્ડ કપમાં નથી છતાં આઇરિશો અમેરિકા-કૅનેડા પહોંચી ગયા!

ન્યૂ યૉર્કઃ રિપબ્લિક ઑફ આયરલૅન્ડ (Ireland) અને નૉર્ધર્ન આયરલૅન્ડ પોતાને અલગ દેશ ગણે છે અને આ બે દેશ ફિફા વર્લ્ડ કપ-2026માં ક્વૉલિફાય નથી થયા છતાં આ દેશોના અસંખ્ય ફૂટબૉલપ્રેમીઓ માઇલો દૂર અમેરિકા તથા કૅનેડા પહોંચી ગયા છે.

વાત એવી છે કે આયરલૅન્ડમાં ફૂટબૉલનો જબરો ક્રેઝ છે. આ દેશને ક્વૉલિફાય (Qualify) ન થવા મળ્યું, પણ એના ફૂટબૉલ ચાહકો કહે છે કે `અમે આ રમત પાછળ એટલા બધા ગાંડા છીએ કે વર્લ્ડ કપ જેવી સૌથી મોટી ટૂર્નામેન્ટ જોવા જઈને અમે અમારા જીવનમાં એ પળોને યાદગાર બનાવવા માગતા હતા એટલે અમેરિકા-કૅનેડાના પ્રવાસે જવાનું અમે નક્કી જ કરી લીધું હતું.'

આઇરિશ ફૂટબૉલપ્રેમીઓએ ટિકિટોના ઊંચા દર તેમ જ પ્રવાસ અને અન્ય ખર્ચની પણ દરકાર નથી કરી અને પોતાના ફેવરિટ દેશ તેમ જ ફૂટબોલરની ગેમ જોવા ઘર ભૂલીને વર્લ્ડ કપના પ્રવાસે આવ્યા છે.

રોજર વૂડેન્ડ અને ઍલેક્સ લૉગન નામના બે મિત્રો 2014માં બ્રાઝિલ ગયા હતા. ત્યારે પણ આયરલૅન્ડની ટીમ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય નહોતી થઈ છતાં તેમણે બ્રાઝિલનો પ્રવાસ કર્યો હતો. વૂડેન્ડ એક મુલાકાતમાં કહે છે, `ફૂટબૉલનો ઉત્સવ માણવા વિવિધ દેશોમાંથી લોકો પોતાના ફેવરિટ દેશની મૅચો માણવા આવ્યા હોય એ જોવું અમને ખૂબ ગમે છે એટલે અમે તો આયરલૅન્ડની ટીમ ક્વૉલિફાય ન થાય તો પણ દૂરના દેશમાં વિશ્વ કપની મજા માણવા જઈએ છીએ.'

રિચર્ડ કોહે નામનો શિક્ષક આયરલૅન્ડથી તેના પિતા સાથે અમેરિકા પહોંચ્યો છે જ્યાં ફિલાડેલ્ફિયામાં તેનો ભાઈ રહે છે. ત્રણેય જણે સાઉથ આફ્રિકા અને ચેક રિપબ્લિકની મૅચ જોઈ હતી. ખાસ આ જ મૅચ જોવાનો તેમનો આશય એ હતો કે ચેક રિપબ્લિકને બદલે આયરલૅન્ડ ક્વૉલિફાય થવાનું હતું, પણ છેલ્લી ઘડીએ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પરાજિત થતાં ચેક રિપબ્લિક ફાવી ગયું હતું.