મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના સતત હુમલાઓ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે, જ્યારે ઈરાની મીડિયા 'પ્રેસ ટીવી'એ પણ આ અહેવાલને સમર્થન આપ્યું હોવાનું મનાય છે. આ ઘટનાએ માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે દાયકાઓ પછી ઈરાન એક નવા નેતૃત્વની શોધમાં છે.
ખામેનેઈ બાદ રેસમાં કોણ?
ઈરાનના સંવિધાન મુજબ સુપ્રીમ લીડરનું પદ કોઈ ઉચ્ચ ધાર્મિક વિદ્વાન (મૌલવી) ને જ મળી શકે છે. હાલમાં ખામેનેઈના અનુગામી તરીકે બે મુખ્ય નામો ચર્ચામાં છે. પ્રથમ નામ ખામેનેઈના પુત્ર મૌતબા ખામેનેઈનું છે, જેઓ શાસન વ્યવસ્થામાં પકડ ધરાવે છે. બીજું નામ ઈરાનના સ્થાપક અયાતુલ્લા ખુમૈનીના પૌત્ર હસન ખુમૈનીનું છે. જોકે, ખામેનેઈએ જીવતા હોવા છતાં કોઈ વારસદારનું નામ નક્કી કર્યું નહોતું, જેના કારણે આગામી સમયમાં સત્તા માટે આંતરિક ખેંચતાણ વધી શકે છે.
ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવાની સત્તા 88 ધાર્મિક વિદ્વાનો ધરાવતી 'એક્સપર્ટ કાઉન્સિલ' (વિશેષજ્ઞોની પરિષદ) પાસે છે. આ કાઉન્સિલ જ સત્તાવાર રીતે નવા નેતા પર મહોર મારશે. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ પ્રક્રિયા એટલી સરળ નહીં હોય. કોઈ પણ નવા નેતા માટે રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) અને દેશના શક્તિશાળી ધાર્મિક સંગઠનો પર નિયંત્રણ મેળવવું એ હિમાલય ચડવા જેવું મુશ્કેલ કાર્ય હશે, કારણ કે હાલમાં કોઈ પણ વ્યક્તિ પાસે ખામેનેઈ જેવું પ્રભુત્વ નથી.
ઈરાનની સત્તામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ની ભૂમિકા નિર્ણાયક હોય છે. તાજેતરના હુમલાઓમાં માત્ર રાજકીય નેતૃત્વ જ નહીં, પરંતુ IRGC કમાન્ડર મોહમ્મદ પાકપુરનું પણ મોત થયું હોવાના અહેવાલ છે. સૈન્યના ટોચના કમાન્ડરોની ખોટ સત્તાના સંતુલનને બદલી શકે છે. વર્તમાન રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન પણ આ હુમલાઓ વચ્ચે અનિશ્ચિતતામાં છે. આ સંજોગોમાં ઈરાનના ભવિષ્યનો નિર્ણય લેવામાં સેનાનો પ્રભાવ સૌથી વધુ રહેવાની શક્યતા છે.