પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે હવે સમગ્ર વિશ્વની નજર પરમાણુ સુરક્ષા પર ટકેલી છે. ઈરાન પર સતત વઘી રહેલા હુમલાઓના જોખમ વચ્ચે ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ હજુ વધશે તો પરમાણું સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. હાલમાં કોઈ રેડિયેશન લીક થયું હોવાના પુરાવા નથી, પરંતુ જો પરિસ્થિતિ વણસે તો રેડિયોલોજિકલ રિલીઝની શક્યતાને નકારી શકાય તેમ નથી.
કયા દેશો પર વધી રહ્યું છે જોખમ?
જો ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ ખાસ કરીને બુશેહર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થાય, તો તેની અસર માત્ર ઈરાન પૂરતી સીમિત નહીં રહે. ભૌગોલિક નિકટતાને કારણે ખાડીના છથી 8 દેશ પણ આ ખતરાની ઝપેટમાં આવી શકે છે. રેડિયેશન કેટલું ફેલાશે તેનો આધાર પવનની દિશા, દરિયાઈ મોજાં અને નુકસાનના સ્તર પર રહેશે. ઈરાનના પાડોશી દેશો માટે આ માત્ર પર્યાવરણીય સમસ્યા નહીં, પરંતુ અસ્તિત્વની લડાઈ બની શકે છે.
પીવાના પાણી પર સૌથી મોટો ફટકો
સૌથી ગંભીર અસર કુવૈત, કતાર અને બહેરીન જેવા દેશો પર પડી શકે છે, કારણ કે આ દેશો પીવાના પાણી માટે મોટાભાગે દરિયાઈ પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર નિર્ભર છે. જો દરિયાનું પાણી રેડિયોએક્ટિવ કણોથી દૂષિત થાય, તો તાજા પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) આ બાબતે સૌથી વધુ સંવેદનશીલ છે, કારણ કે તેનું 80% થી વધુ પીવાનું પાણી સમુદ્રમાંથી શુદ્ધ કરવામાં આવે છે. દરિયામાં ફેલાયેલું પ્રદૂષણ આખા ક્ષેત્રની જળ સુરક્ષા માટે મોટી આફત બની શકે છે.
પવન દ્વારા ફેલાતો અદ્રશ્ય ખતરો
રેડિયેશન માત્ર પાણી જ નહીં પણ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. સાઉદી અરેબિયા, ઓમાન અને ઈરાક જેવા દેશો ઈરાનની સરહદની નજીક હોવાથી હવામાં ભળેલા રેડિયોએક્ટિવ કણોના સીધા સંપર્કમાં આવી શકે છે. હવામાનની પ્રતિકૂળતાને કારણે આ પ્રદૂષણ ગણતરીના કલાકોમાં સરહદો વટાવી શકે છે. આ ઉપરાંત જોર્ડન અને સીરિયા જેવા દેશોને પણ આ અસ્થિરતાને કારણે પરોક્ષ નુકસાન થવાની ભીતિ છે, જે સમગ્ર પશ્ચિમ એશિયાની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી શકે છે.
રેડિયેશનથી બચવાના સાવચેતીના પગલાં
પરમાણુ વિકિરણની સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટેનો સૌથી સુવર્ણ નિયમ સંપર્ક ઘટાડવાનો છે. આવી કટોકટીમાં બને તેટલું જલ્દી પાકા મકાનો કે કોંક્રિટની ઈમારતોની અંદર જતું રહેવું જોઈએ. ઘરના બારી-બારણાં ચુસ્ત રીતે બંધ રાખવા અને બહારની હવા અંદર ખેંચતા એસી કે પંખા બંધ કરવા અનિવાર્ય છે.
ખોરાક અને પાણીની બાબતમાં પણ ખૂબ જ સાવધ રહીને માત્ર સીલબંધ બોટલનું પાણી અને પેક કરેલો ખોરાક જ વાપરવો જોઈએ. સ્ત્રોતથી અંતર અને સમયનું પાલન જ જીવ બચાવી શકે છે.