Fri Sep 04 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરઃ હવાઈ સેવાઓ ઠપ્પ થતા મિડલ ઈસ્ટમાં ૩,૦૦૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

2026-03-01 17:52:47
Author: Devayat Khatana
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરઃ હવાઈ સેવાઓ ઠપ્પ થતા મિડલ ઈસ્ટમાં ૩,૦૦૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વકરી રહેલા યુદ્ધને કારણે હાલ મધ્ય પૂર્વના દેશોની સ્થિતિ વણસી પડી છે, ત્યારે તેના પરિણામે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ ખોરવાઈ છે, જેની સીધી અસર મધ્ય પૂર્વમાં આવેલા અન્ય દેશના મુસાફરો પર પડી રહી છે. ભારતીય એરલાઈન્સે પણ ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ 28 માર્ચ સુધી મુલતવી રાખી છે, જેથી પ્રવાસીઓ અને તેમના પરિવારનો જીવ તાળવે ચોટ્યા છે.

મળતી વિગતો અનુસાર, આ સંઘર્ષની અસર ગુજરાતથી પ્રવાસે ગયેલા યાત્રિકો પર પડી છે. હાલમાં મિડલ ઈસ્ટમાં અંદાજે ૩,૦૦૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ છે. દુબઈ અને અબુધાબીમાં હજારો ગુજરાતીઓ વેકેશન માણવા રોકાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જ્યારે રમઝાન માસ નિમિત્તે ઉમરાહ કરવા ગયેલા અંદાજે 700થી 800 ગુજરાતીઓ મક્કા-મદીનામાં ફસાઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બીજી તરફ અમદાવાદના 55 જેટલા યાત્રિકોએ ફ્લાઈટ્સ રદ થવાને કારણે એરપોર્ટથી હોટલ પરત ફરવું પડ્યું છે અને તેઓ હવે આર્થિક મુશ્કેલી તેમજ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા મુજબ, અત્યારે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેઓ ઈન્ડિયન એમ્બેસીના સંપર્કમાં રહીને પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

આ અંગે અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, તેમના મતક્ષેત્રના અને અમદાવાદના અનેક નાગરિકો હાલ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયેલા છે. મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અશાંતિ અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે તેમના પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

તેમણે આ મામલે ભારત સરકાર અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક ભારતીય નાગરિકની સુરક્ષા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.