Sat Aug 29 2026

Logo

યુદ્ધના માહોલ વચ્ચે નવી આફત: ભૂકંપથી ધણધણી ઊઠ્યું ઇરાન, પરમાણુ પરીક્ષણના અહેવાલથી ફફડાટ...

tehran   2026-03-03 16:39:00
Author: Devayat Khatana
યુદ્ધના માહોલ વચ્ચે નવી આફત: ભૂકંપથી ધણધણી ઊઠ્યું ઇરાન, પરમાણુ પરીક્ષણના અહેવાલથી ફફડાટ...

AI-generated images


તહેરાનઃ અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આજે ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે દક્ષિણ ઈરાનના ગેરાશ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. યુદ્ધના મેદાનમાં મિસાઇલ હુમલાઓ અને વિસ્ફોટો વચ્ચે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને અનેક લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપના આ આંચકા ઈરાનના ફારસ પ્રાંતમાં અનુભવાયા હતા, જ્યાં યુદ્ધને કારણે લોકો પહેલેથી જ માનસિક તણાવમાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને વિવિધ અફવાઓ પણ તેજ બની છે. કેટલાક લોકો તેને ઈરાન દ્વારા કરવામાં આવેલ ગુપ્ત ન્યુક્લિયર ટેસ્ટ ગણાવી રહ્યા છે.
 
જોકે, નિષ્ણાતો અને USGSએ સ્પષ્ટતા કરી છે કે 4.3ની તીવ્રતા ધરાવતો આંચકો કુદરતી ટેકટોનિક પ્રવૃત્તિ છે, કારણ કે પરમાણુ પરીક્ષણની પેટર્ન અને તીવ્રતા સામાન્ય રીતે અલગ હોય છે. હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે ઈરાન માટે આ પડતા પર પાટું જેવી સાબિત થઈ રહી છે, કારણ કે એકતરફ અમેરિકા-ઇઝરાયલની એરસ્ટ્રાઈક્સ ચાલુ છે અને બીજી તરફ કુદરતી આફત આવી છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં કુલ મૃત્યુઆંક 1200ને પાર કરી ગયો છે અને તેલની કિંમતો પ્રતિ બેરલ ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે. ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી આપી છે, ત્યારે ભૂકંપ અને યુદ્ધના આ બેવડા હુમલાએ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.