Sat Sep 05 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો મોટો ખેલ; સુરક્ષિત રીતે પસાર થવા 20 લાખ ડોલર આપવા પડશે, જાહેર કર્યો નકશો

Tehran   2026-04-09 19:29:41
Author: Vimal Prajapati
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો મોટો ખેલ; સુરક્ષિત રીતે પસાર થવા 20 લાખ ડોલર આપવા પડશે, જાહેર કર્યો નકશો

તહેરાનઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ તેમાં ઈરાને એક મોટી શરત રાખી છે, જેને અમેરિકાએ માની પણ લીધી છે. ખાડી દેશો સાથે તેલનો વેપાર કરવા માટે દરેક જહાજને હોર્મુઝ દરિયાઈ માર્ગેથી પસાર થવું પડે છે. આ દરિયાઈ માર્ગ ઈરાનના કંટ્રોલમાં હોવાના કારણે હવે તેણે એક નવો કિમીયો અપનાવ્યો છે. આ દરિયાઈ માર્ગેથી જો કોઈ દેશને પસાર થવું હોય તો તે દેશે ઈરાનને નિશ્ચિત રકમ આપવી પડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ઈરાને હોર્મુઝનો એક નવો નકશો જાહેર કર્યો

ઈરાન દ્વારા અત્યારે એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જહાજો માટે નવા 'સલામત કોરિડોર' ની રૂપરેખા આપવામાં આવી છે. પહેલીવાર ઈરાને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ પ્રદેશમાં પરંપરાગત વેપાર માર્ગો હવે સલામત નથી. નકશાએ આ દરિયાઈ માર્ગો પર 'નૌકાદળની ખાણો' ના ખતરાની હાજરીની પુષ્ટિ કરી છે. આ દરિયાઈ વિસ્તારમાં ઈરાને એક ડઝન 'મહામ-3' અને 'મહામ-7' નૌકાદળની માઈન્સ તૈનાત કરવામાં આવી છે. આ સમુદ્રમાં છુપાયેલ ઘાતક વિસ્ફોટક માઈન્સ છે જે કોઈ પણ મોટી જહાજને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે.  

હોર્મુઝ માર્ગેથી પસાર થવા 20 લાખ ડોલર આપવા પડશે

મૂળ વાત એ છે કે, ઈરાને આ નકશો જહાર કરીને ચેતવણી આપી છે કે, જો આ રસ્તેથી સુરક્ષિત રીતે પસાર થવું હોય તો તેના માટે તમારે કિંમત આપવી પડશે. એટલે કે, સુરક્ષિત રસ્તેથી હવે મફ્તમાં પસાર નહીં થઈ શકાય, આ રસ્તેથી સુરક્ષિત રીતે પસાર થવું હોય તો તેના માટે 20 લાખ ડોલર એટલે કે 16 કરોડ રૂપિયા ટેક્સ આપવો પડશે. જો કે, ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા અને ઇઝરાયેલના જહાજો સિવાયના દેશોના જહાજોને જ અહીંથી સુરક્ષિત રીતે પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. 

આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ દ્વારા હવે ઈરાન આવક મેળવશે 

આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે,  આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર નિયંત્રણ મેળવીને નોંધપાત્ર આવક મેળવવા માટે આ ઈરાનની એક ચાલ છે. જો કોઈ દેશ ઈરાનને ટેક્સ આપ્યા વિના અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરશે તો તેને માઈન્સનો સામનો કરવો પડશે અને તેમાં જહાજ નષ્ટ થવાની પણ સંપૂર્ણ સંભાવના રહેશે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં કોઈ પણ દેશે ખતરો લઈ શકે નહીં.