અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ અમદાવાદમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. 25 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા ઈકબાલ શેખે રાજીનામું આપ્યું છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 5 ટર્મથી ચૂંટાતા ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામાનો પત્ર મોકલ્યો છે.
શું લખ્યું છે લેટરમાં
લેટરમાં ઈકબાલ શેખે પક્ષમાં અન્યાય થઈ રહ્યો હોવાનો અને આટલા વર્ષોથી પાર્ટીમાં અવગણના થઈ રહી હોવાનું કહીને રાજીનામું આપ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલરમાં કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર કાઉન્સિલર હોવા છતાં મેં વિરોધપક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરી એક કાર્યકર તરીકે શહેર કોગ્રેસ પક્ષમાં સાદગીપુર્ણ મારી ભુમિકા નિભાવી છે. જેના આપ મુકસાક્ષી રહ્યા છો.

અન્ય પક્ષો તરફથી મને અનેક લાલચો અને પ્રલોભનો આપવા છતાં મેં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાંથી અનેક મુશ્કેલીઓ હોવા છતાં છેલ્લા 25 વર્ષથી પેનલ સાથે કોંગ્રેસ પક્ષના ચિહન સાથે ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે. મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજોગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોંગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી.
આ ઉપરાંત તેમણે કહ્યું, આખરે જનતાનો અભિપ્રાય લઈને રાજીનામું આપી દીધું છે. પાર્ટી છેલ્લી ઘડીએ જ ટિકિટ આપે છે, પહેલી વખત ચૂંટણી જીત્યો ત્યારે પણ અપક્ષ લડ્યો હતો. જે બાદ ટેકો આપીને હિંમતસિંહને મેયર બનાવ્યા હતા. છતાં પાર્ટી અવગણના કરી રહી છે જેથી રાજીનામું આપવાની માટે ફરજ પડી છે.

રાજીનામું આપ્યા બાદ ઈકબાલ શેખે એઆઈએમઆઈએમના ઓવૈસી સાથે મુલાકાત કરી હતી. જેના કારણે તેઓ એઆઈએમઆઈએમમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.