રાજકોટઃ રાજકોટ રેંજ આઈજી તરીકે પદભાર ગ્રહણ કર્યાના થોડા જ દિવસોમાં આઈપીએસ નિર્લિપ્ત રાય એક્શન મોડમં આવ્યા છે. તેમણે રેંજમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓનું લિસ્ટ બનાવ્યું છે. જેમાં 29 ગુનેગારોના નામ સામેલ છે. ઉપરાંત તેમણે બે દિવસના જનતા દરબારની પણ જાહેરાત કરી છે. પબ્લિક આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત તેઓ સીધા જ લોકોને મળશે. મહિલા દિવસ પહેલા સરકારે 37 આઈપીએસની બદલી કરી હતી. જેમાં સુપરકોપની છબી ધરાવતા નિર્લિપ્ત રાયને રાજકોટ રેંજની જવાબદારી આપવામાં આવી હતી.
પાંચ જિલ્લામાં ગુના નિયંત્રણની જવાબદારી
ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહિત ગંભીર મામલા પર નજર રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલથી નિર્લિપ્ત રાયની બદલી રાજકોટ રેંજ આઈજી તરીકે કરી હતી. નિર્લિપ્ત રાયને એક વ્યૂહરચના અંતર્ગત ગાંધીનગરથી રાજકોટ મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. સરકારે આપેલી જવાબદારી બાદ હવે નિર્લિપ્ત રાય એક્ટિવ થઈ ગયા છે.
નિર્લિપ્ત રાય પાસે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ રૂરલ, દેવભૂમિ દ્વારકામાં કાનૂન વ્યવસ્થા મજબૂત કરવા અને અસામાજિક તત્વોને કાબુમાં રાખવાનો ટાર્ગેટ છે. રાજકોટ રેંજ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 29 આરોપી ફરાર છે. આ આરોપીઓ સામે કોર્ટમાં ધરપકડ વોરંટ જાહેર કરાવવામાં આવ્યું છે. પોલીસે હવે લોકોનો સહયોગ લેવાનો પણ નિર્ણય કર્યો છે. આરોપીઓ અંગે સચોટ જાણકારી આપનારા લોકોને રોકડા 5000થી લઈને 20,000 સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
IPS નિર્લિપ્ત રાયે રાજકોટ IGના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે, રાજકોટ રેંજ હેઠળ આવતા દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોના લાભાર્થે, ગેરકાયદે વ્યાજખોરો વિરુદ્ધ એક જનસંપર્ક બેઠકનું આયોજન પોલીસ નાયબ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
આથી, વ્યાજખોરીથી પીડિત નાગરિકોને તેઓ નીચે દર્શાવેલ સમય અને સ્થળ પર રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની ફરિયાદો નોંધાવે તેવી અપીલ કરવામાં આવે છે. નિર્લિપ્ત રાય 1 અને 2 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાજકોટ સ્થિત IG ઓફિસમાં પોતે હાજર રહીને લોકોની ફરિયાદો સાંભળશે.
કોણ છે નિર્લિપ્ત રાય
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી નિર્લિપ્ત રાય 2010 બેચના IPS અધિકારી છે અને તેઓ ગુનેગારોમાં પોતાના ખૌફ માટે જાણીતા છે. 28 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે વિજ્ઞાન વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. નિર્લિપ્ત રાયની કાર્યશૈલીના વિરોધ પક્ષના નેતાઓ પણ પ્રશંસા કરે છે. આ ઉપરાંત તેઓ વરેશ સિંહાના જમાઈ છે.