Sun Apr 26 2026

Logo

16 કૅચ છૂટ્યા, 986 રન બન્યા...આ 14 ખેલાડીની મહેરબાનીથી એક દિવસમાં જ થયું એ આઇપીએલમાં અગાઉ ક્યારેય નહોતું થયું

2026-04-26 16:57:23
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી/જયપુરઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)-2026માં શનિવાર, 25મી એપ્રિલનો દિવસ આ ટૂર્નામેન્ટના 19 વર્ષના ઇતિહાસમાં એક દિવસના આંકડાની દૃષ્ટિએ ઐતિહાસિક બની ગયો. એમાં રનની ધોધમાર વર્ષા તો થઈ જ હતી, કુલ મળીને 16 કૅચ છૂટ્યા હતા અને બીજું પણ ઘણું બની ગયું હતું.

શનિવારે બે મૅચ રમાઈ હતી જેમાં કુલ મળીને 986 રન (986 Runs) બન્યા હતા. અગાઉ આઇપીએલની ઘણી સીઝનમાં ડબલ હેડર (એક દિવસમાં બે મૅચ) થઈ હતી, પરંતુ ક્યારેય એક દિવસમાં આટલા રન નહોતા બન્યા. શનિવારના એક દિવસમાં કુલ 59 છગ્ગા તેમ જ 96 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. શનિવારે પ્રથમ મૅચ દિલ્હી-પંજાબ વચ્ચે અને બીજી મૅચ રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી.

દિલ્હી-પંજાબ મૅચમાં કુલ 529 રન બન્યા હતા. દિલ્હી (Delhi)એ કે. એલ. રાહુલના અણનમ 152 રનની મદદથી બે વિકેટે 264 રન કર્યા ત્યાર બાદ પંજાબે 18.5 ઓવરમાં ચાર વિકેટે 265 રન કરીને રેકૉર્ડ-બ્રેક ચેઝ (Chase) સાથે અપરાજિત રહીને પૉઇન્ટ્સ-ટેબલમાં સ્થાન મજબૂત કર્યું હતું.

રાજસ્થાન-હૈદરાબાદ મૅચમાં કુલ 457 રન બન્યા હતા. રાજસ્થાને વૈભવ સૂર્યવંશીના 103 રનની મદદથી 228 રન કર્યા હતા જેના જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં પાંચ વિકેટે 229 રન કરીને વિજય મેળવી લીધો હતો.

શનિવારના આખા દિવસમાં કુલ બે મૅચમાં કુલ 464 બૉલ ફેંકવામાં આવ્યા હતા જેમાં 986 રન તો બન્યા, પણ કુલ મળીને 16 કૅચ છૂટ્યા હતા. એમાંથી આઠ કૅચ દિલ્હી-પંજાબ મૅચમાં અને આઠ કૅચ રાજસ્થાન-હૈદરાબાદ મૅચમાં છૂટ્યા હતા. આ 16 કૅચ 14 ખેલાડીએ છોડ્યા હતા. કરુણ નાયર તથા સાકિબ હુસૈન એવા બે ખેલાડી છે જેમણે બે-બે કૅચ છોડ્યા હતા.