Fri Aug 21 2026

Logo

રોકાણમાં ભૂલ કરતાં પહેલાં આ વાંચી-સમજી લો...

2026-08-11 09:25:00
Author: Amit Trivedi
Article Image

અમિત ત્રિવેદી

જો તમે નાનપણથી રમતગમતમાં સક્રિય રહ્યા હોવ, તો એક વાત ચોક્કસ નોંધ કરી હશે. રમતની શરૂઆતમાં જ, હજી તો યોગ્ય રીતે રમતા પણ નથી આવડતું, ત્યાં તો સ્ટાર્સને આદર્શ માનવા લાગે. હાથમાં રેકેટ પકડીને ખાલી બોલ હિટ કરતા આવડે ત્યાં તો વિમ્બલ્ડન જીતવાનાં સપનાં જોવા લાગે. પણ બીજી તરફ, કોચ હંમેશાં પાયાની બાબતો શીખવા અને મહાવરો કરવા પર જ ભાર મૂકે છે.

પછી આવે છે જૂનિયર લેવલની ટૂર્નામેન્ટ્સ. યુવા ખેલાડીઓ મેચના દબાણમાં પોતાની પ્રતિભા બતાવે છે, પણ આ નવોદિત ખેલાડીઓને જ્યારે તમે વ્યાવસાયિક ખેલાડીઓ સાથે સરખાવો ત્યારે મોટો તફાવત દેખાઈ આવે છે.

પ્રોફેશનલ ખેલાડીઓ પોતાના પોઈન્ટ્સ મેળવે છે, જ્યારે કાચા-નવોદિત ખેલાડીઓ પોતાની ભૂલોને લીધે પોઈન્ટ્સ ગુમાવે છે.

જ્યારે તમે રોજર ફેડરર અને રાફેલ નડાલની મેચ જોતા હો ત્યારે તમને બંને તરફથી શ્રેષ્ઠ શોટ્સ જોવા મળે  એસીસ, ક્રોસ-કોર્ટ શોટ્સ અને લાંબી રેલીઓ. એમની ‘અનફોર્સ્ડ એરર્સ’ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય. જ્યારે સામાન્ય રમતમાં, જે ખેલાડી સૌથી ઓછી ભૂલો કરે છે, એ મેચ જીતી જાય છે.

મને ક્રિકેટના શરૂઆતના દિવસો યાદ છે. અમુક ચોક્કસ ફીલ્ડર્સ આગળ શોટ મારીને અમે આરામથી રન ચોરી લેતા, કારણ કે એમનો થ્રો વાઈડ જવાનો જ હોય, જે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ્યે જ જોવા મળે.

સામાન્ય અને પ્રોફેશનલ વચ્ચેનો મોટો તફાવત એ છે કે પ્રોફેશનલ્સ પોતાની ચડિયાતી કુશળતાના દમ પર જીતે છે, જ્યારે સામાન્ય ખેલાડીઓ માત્ર ભૂલો ટાળીને રમતમાં ટકી રહે છે.

 રોકાણની દુનિયામાં આપનું સ્વાગત છે...

રોકાણ ક્ષેત્રે પણ ઘણા પાર્ટ-ટાઈમ રોકાણકારો વોરેન બફેટ બનવાના સપના જુએ છે. પણ આ રમત સાવ અલગ રીતે રમાય છે. મોટા ફંડ મેનેજર્સ બીજાને માત આપવા માટે રમે છે, જ્યારે આપણા જેવા સામાન્ય લોકો માટે પૈસા ન ગુમાવવા એ જ સૌથી મોટી વાત છે અને પૈસા ગુમાવવા માટે તો હજાર રસ્તા અને લાલચ હાજર હોય  છે.

‘તો પૈસા કેમ બચાવવા?’

જવાબ સાવ સરળ છે: પૈસા ક્યાં ડૂબી શકે છે એ જાણી લો અને એ ભૂલો ટાળો. જો બધી ભૂલો ન અટકાવી શકાય તો પણ નુકસાન ઓછું થાય એવું તો કરી જ શકીએ ને?

રોકાણકારો સામાન્ય રીતે કેવી કેવી ભૂલ કરે છે?

અજાણી જગ્યાએ રોકાણ: લોકો એવી જગ્યાએ પૈસા રોકે છે જેના વિશે કશું જાણતા જ નથી. ટિપ્સના આધારે સ્ટોક્સ ખરીદી લે છે, વગર વિચારે કે કંપની કેવી છે કે ટિપ આપનાર માણસ કેટલો સાચો છે.

ફિક્સ્ડ ઈન્કમ એટલે ગેરંટીડ રિટર્ન? ના! સુરક્ષિત પ્રોડક્ટ્સમાં રિટર્ન ખૂબ ઓછું મળે છે. વધારે રિટર્ન મેળવવું હોય તો જોખમ લેવું જ પડે અને જ્યાં જોખમ હોય, ત્યાં કોઈ ગેરંટી હોતી નથી.

પાછલા પરફોર્મન્સની લાલચ: મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો કે ટૂંકા ગાળાનો નફો જોઈને લોકો પૈસા રોકી દે છે. રિયલ એસ્ટેટ અને સોનામાં પણ ભાવ ખૂબ વધી ગયા પછી લોકો રોકાણ કરે છે અને છેલ્લે નુકસાન ભોગવે છે. હંમેશાં યાદ રાખો: ‘જૂનું પરફોર્મન્સ ભવિષ્યની ગેરંટી નથી.’

કૌભાંડી સ્કીમ્સ: છેલ્લા કેટલાક વર્ષોમાં ઊંચા રિટર્નની લાલચ આપતી બનાવટી સ્કીમ્સમાં લોકોએ પોતાની મૂળ મૂડી પણ ગુમાવી છે.

આમ ઉદાહરણો તો ઘણા છે. તમે નક્કી કરો કે તમે અપરિપક્વ છો કે પ્રોફેશનલ. જો તમે ખરેખર સમય આપીને કૌશલ્ય શીખવાના હોવ તો જ પ્રોફેશનલ બનો. બાકી પોતાની મર્યાદાઓ સમજીને રમો. જોખમ અને ફ્રોડને સમજો. વધારે રિટર્ન એટલે વધારે જોખમ પછી ભલે તમને એ જોખમ સમજાય કે ન સમજાય.

રમત રમો, પણ અનફોર્સ્ડ એરર્સ ઓછી કરો. જરૂર પડે તો મદદ લો. ભૂલશો નહીં, પ્રોફેશનલ્સ પણ કોચ રાખે જ છે!