નવી દિલ્હી: દેશની બીજી 'વંદે ભારત સ્લીપર ટ્રેન'ને મંજૂરી મળી છે. જેના લીધે રેલવે મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ હાઇ સ્પીડ ટ્રેન વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડશે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ અને પ્રયાગરાજ ખાતે પણ રોકાશે. આનાથી પૂર્વાંચલ, મધ્ય ઉત્તર પ્રદેશ અને ઔદ્યોગિક શહેર કાનપુરના મુસાફરોને દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરી કરવાનો એક નવો વિકલ્પ મળશે.
વારાણસીથી દિલ્હીની મુસાફરી 8 કલાક અને 10 મિનિટમાં પૂર્ણ કરે તેવી શક્યતા
આ અંગેના પ્રસ્તાવિત સમયપત્રક મુજબ વંદે ભારત સ્લીપર ટ્રેન વારાણસીથી રાત્રે 8.40 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.05 વાગ્યે પ્રયાગરાજ તથા લગભગ 11.50 વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. ત્યારબાદ, આ ટ્રેન સવારે લગભગ 4.50 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. આમ, વારાણસીથી દિલ્હીની મુસાફરી લગભગ 8 કલાક અને 10 મિનિટમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
ટ્રેન નવી દિલ્હીથી રાત્રે 11.25 વાગ્યે રવાના થવાની શક્યતા
આ ઉપરાંત પ્રસ્તાવિત પરત ફરવાના સમયપત્રક મુજબ, ટ્રેન નવી દિલ્હીથી રાત્રે 11.25 વાગ્યે રવાના થશે. તે સવારે લગભગ 3.30 વાગ્યે કાનપુર અને સવારે 5.38 વાગ્યે પ્રયાગરાજ પહોંચે તેવી અપેક્ષા છે. ત્યારબાદ, ટ્રેન સવારે લગભગ 7.35 વાગ્યે વારાણસી પહોંચશે. જોકે, રેલવેએ હજુ સુધી આ સમય સત્તાવાર રીતે જાહેર કર્યો નથી. વડાપ્રધાન કાર્યાલય તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ અંતિમ સમયપત્રક અને સંચાલનની તારીખ જાહેર થવાની અપેક્ષા છે.