નિશીનઃ જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતને 2022ના આ રમતોત્સવની સરખામણીમાં બહુ જ ઓછા ગોલ્ડ મેડલ મળ્યા છે અને એવામાં હવે મેન્સ ક્રિકેટનો સુવર્ણચંદ્રક મળવાની પાક્કી સંભાવના છે ત્યારે એમાં દુશ્મન-દેશ ભાગ પડાવશે એવી ભીતિ છે.
વાત એવી છે કે મહિલાઓની ટી-20માં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતને અઠવાડિયા પહેલાં જ ગોલ્ડ મેડલ (Gold Medal) મળી ચૂક્યો છે, પરંતુ પુરુષોની ટી-20માં બધી મૅચો વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. મેન્સ ટી-20 ટૂર્નામેન્ટની મૅચો જાપાનના નિશીન શહેરમાં રાખવામાં આવી છે જ્યાં મેઘરાજા બધા ક્રિકેટરોને પરેશાન કરી રહ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ વરસાદને લીધે તેમ જ મેદાન ખૂબ ભીનું હોવાથી નહોતી રમાઈ અને ચડિયાતા ક્રમને કારણે ભારતને સીધા સેમિ ફાઇનલમાં પહોંચવા મળી ગયું હતું. બીજી બાજુ, એવી જ રીતે પાકિસ્તાનને હૉન્ગ કૉન્ગ સામે સીધા સેમિમાં પ્રવેશ મળી ગયો હતો.
મંગળવારે ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ શ્રીલંકા અને નેપાળ વચ્ચે હતી જે ફરી એક વખત વરસાદને લીધે ન રમાતાં શ્રીલંકાએ ડાયરેક્ટ સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી અને ત્યાર પછીની છેલ્લી ક્વૉર્ટર ફાઇનલમાં પણ એવું જ બન્યું એટલે મલયેશિયા કરતાં ચડિયાતા ક્રમને કારણે બાંગ્લાદેશને સેમિ ફાઇનલમાં પ્રવેશ મળી ગયો. ટૂંકમાં, ચારેય સેમિ ફાઇનલિસ્ટ દેશ એકેય બૉલ રમ્યા વગર સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. બીજી તરફ, અફઘાનિસ્તાન, નેપાળ તેમ જ મલયેશિયા અને હૉન્ગ કૉન્ગ એક મૅચમાં જીત, એક મૅચમાં હાર જોયા પછી અને એક મૅચ ધોવાઈ જતાં ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે.
Asian games 2026 today Pakistan vs Hong Kong
— ABDUL WAHEED (@AWQURESHEE) September 28, 2026
The Asian Games 2026 men's cricket first quarter-final between Pakistan and Hong Kong, China on September 28, 2026, was abandoned without a ball bowled due to heavy rain in Nisshin, Japan. pic.twitter.com/U7lFD7GCUg
સેમિ ફાઇનલ લાઇન-અપ
ગુરુવાર, પહેલી ઑકટોબરે પ્રથમ સેમિ ફાઇનલ (ભારતીય સમય મુજબ સવારે 5.30 વાગ્યાથી) પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બીજો સેમિ ફાઇનલ મુકાબલો એ જ દિવસે (સવારે 10.30 વાગ્યાથી) ભારત અને શ્રીલંકા વચ્ચે થશે. જો આ બન્ને સેમિ ફાઇનલ પણ વરસાદને લીધે નહીં રમાય તો ચડિયાતા ક્રમાંકોવાળી બે ટીમ ફાઇનલમાં જશે. ભારત અને પાકિસ્તાન સૌથી ઊંચા ક્રમે છે એટલે તેમની વચ્ચે નિશીનમાં શનિવાર, ત્રીજી ઑક્ટોબરે (સવારે 10.30 વાગ્યાથી) ફાઇનલ રમાશે. વરસાદને લીધે દુર્ભાગ્યવશ ફાઇનલ પણ નહીં રમાય તો ભારત અને પાકિસ્તાન ગોલ્ડ મેડલ શૅર કરશે. ટૂંકમાં, બન્ને ટીમને સાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.