Sat Apr 18 2026

Logo

યુદ્ધના માહોલમાં ભારતે ઓમાનની ખાડીમાં ઊતાર્યું INS સુરત, દુશ્મનો પર બાજ નજર રાખશે...

Muscat   2026-03-06 16:06:53
Author: Viral Rathore
Article Image

હવાઈ, સમુદ્ર અને પાણીની નીચેથી થતા પ્રચંડ હુમલાને ટાળવા સક્ષમ

મસ્કતઃ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલો કરીને અખાડી દેશમાં યુદ્ધનો માહોલ ઊભો કરી દીધો છે. ઈરાને પણ જવાબી હુમલા કરીને ગલ્ફ રાષ્ટ્રની ચિંતામાં એકાએક વધારો કર્યો છે. યુદ્ધના આ માહોલને કારણે સમગ્ર દુનિયાની ઊંઘ ઊડી ગઈ છે. ઓઈલ, ક્રુડ, શિપિંગ અને જીવનજરૂરી વસ્તુઓના જહાંજ દરિયામાં અટવાયા છે. તણાવગ્રસ્ત માહોલમાં ભારતે પણ જળસીમામાં રહીને સુરક્ષા વધારી છે. એર સ્ટ્રાઈક અને ડ્રોન હુમલાના તોળાતા જોખમ વચ્ચે ભારતે INS સુરતને જળમેદાને ઊતાર્યું છે. INS સુરત યુદ્ધની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. 

ઓમાનની ખાડીમાં INS સુરત
ભારતે ઓમાનની ખાડીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી છે. INS સુરતને તૈનાત કરીને સુરક્ષા કવચ ઊભું કરી દીધું છે. INS સુરત યુદ્ધ જહાંજ સ્ટિલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે હિન્દ મહાસાગરમાં અમેરિકાની સબમરીને ઈરાનના જહાંજ પર ટોર્પિડોથી મારો કર્યો હતો. ઈરાનની શીપનો ખાતમો બોલાવી દીધો હતો. અમેરિકાના આ પગલાંના લીધે સમગ્ર અખાતી દેશમાં તણાવગ્રસ્ત માહોલ વધી રહ્યો છે. આવા સમયમાં ભારતે સુરક્ષા તરફી પગલું લઈને સમયસુચકતા વાપરી છે. ભારતીય નૌસેનાના ઉચ્ચ અધિકારીઓ અને ટુકડીને જહાંજ પર ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. 

Orbitshub

INS સુરત કેટલું શક્તિશાળી?
સમુદ્રમાર્ગની સુરક્ષા અને ભારતીય અન્ય જહાંજના કવરઅપ માટે INS સુરત એક મજબૂત વોરશીપ છે. કટોકટીની સ્થિતિ વચ્ચે તે ભારતીય નાગરિકોને રેસક્યૂ પણ કરી શકે છે. પશ્ચિમ એશિયાના અખાતી દેશ તેમજ ઓમાનની ખાડીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને ધ્યાને લેતા દેશની સુરક્ષા જળમાર્ગથી કરવા માટે INS સુરતને જવાબદારી સોંપવામાં આવી છે. INS સુરત સૌથી આધુનિક વોર ટેક્નોલોજી ધરાવે છે. જેમાં ઈન્ટિગ્રેટેડ AI ફીચર છે, જેથી નાઈટવૉચ, વોર મેનેજમેન્ટ, ઈમરજન્સી રીસપોન્સ,સુરક્ષા અને પેટ્રોલિંગમાં અગ્રેસર છે. આ યુદ્ધ જહાંજ તૈયાર કરવામાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જહાંજમાં સુપરસોનિક બ્રહ્મોસ, બરાક-8, આકાશી મિસાઈલ, એન્ટિ સબમરીન એલર્ટ, લૉન્ચર, ટોર્પિડો ટ્યુબર જેવા વિસ્ફોટક હથિયારો છે.અચાનક થયેલા હુમલાને પહોંચી વળવા માટે આ પુરતા છે. સમુદ્ર, હવા અને પાણીની નીચેથી આવતા હુમલાને તે જડબાતોડ જવાબ આપી શકે છે. 

સ્પીડ, સુરક્ષા અને શસ્ત્રોનો ત્રિવેણી સંગમ
INS સુરત ગમે તેવા ઊંડા દરિયામાં 56 કિમી/કલાકની ગતિથી દોડી શકે છે. મુંબઈના મડગાંવ ડૉક શિપિંગ યાર્ડમાં તે તૈયાર કરાયું છે. વિશાખાપટ્ટનમ ક્લાસ ફોર કેટેગરીનું આ અંતિમ યુદ્ધ જહાંજ છે. કમ્બાઈન્ડ ગેસ સિસ્ટમ તથા પ્રોપલ્સ સિસ્ટમથી કપરી સ્થિતિમાં એકાએક સ્પીડમાં દોડાવી શકાય છે. સક્ષમતાની વાત કરવામાં આવે તો 8000 નોટિકલ માઈલ (આશરે 14816 કિમી) સુધી સતત દોડી શકે છે. સળંગ 45 દિવસ સુધી ઑપરેશન કરવા માટે સક્ષમ છે. સુરક્ષાના કારણોસર ઝડપથી કોઈ બુલેટ કે હુમલાની અસર થતી નથી. આ કારણે INS સુરતને સૌથી સુરક્ષિત અને શક્તિશાળી જહાંજ માનવામાં આવે છે. 163 મીટર લાંબા જહાંજ પરથી ડારેક્ટ ગાઈડેડ મિસાઈલ ફાયર કરી શકાય છે. આ માટે ખાસ વેપન સિસ્ટમ એક્ટિવ કરાઈ છે. 

ચાર ટર્બો એન્જિન અને નાઈટ વિઝન
ચાર ટર્બો એન્જિનની મદદથી દરિયામાં એકાએક દિશા બદલાવીને દોડવા માટે તે હરહંમેશ સજ્જ રહે છે. 7400 ટન વજન ધરાવતુ જહાંજને ઈનવિઝિબલ હંટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાછળનું કારણ જહાંજની નાઈટ વિઝન ટેક્નોલોજી છે. રાત્રીના સમયે પણ કોઈ જ પ્રકારની એલર્ટ લાઈટ વગર તે હુમલો કરી શકે છે અને ટાળી પણ શકે છે. ખાસ વર્ટિકલ લૉંચ સિસ્ટમ અને મોનિટરિગ વ્યૂના કારણે કઠિન સ્થિતિમાં ઑપરેશન પાર પાડી શકે છે. 16 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ તથા વર્ટિકલ લૉંચ સિસ્ટમથી ઓછા અંતરમાં રહેલા ટાર્ગેટનો પણ ખાતમો બોલાવી શકે છે. એડવાન્સ ટોર્પિડો અને રોકેટ લૉંચરનો મેન્યુલી ઉપયોગ પણ કરી શકાય છે. INS સુરતને પ્રથમ AI ટેક્નોલોજીથી સજ્જ જહાંજ માનવામાં આવે છે. ખાડીના ભૌગોલિક વિષમતા ધરાવતા ક્ષેત્ર માટે આ INS સુરત સૌથી શ્રેષ્ઠ છે. ભારત માટે આવતા ક્રુડના 90 ટકા વેસલ્સ હોર્મુઝના જળમાર્ગેથી આવે છે.