Sun Jul 26 2026

Logo

ભારતીય નૌસેનાની વધી તાકાત, જાણો અંશદીપની ખાસિયત

2026-02-27 14:12:00
Author: Mayur Patel
Article Image


નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે. સબમરીન અંજદીપને આજે નૌસેનામાં સામેલ કરાઈ હતી. આ સમારોહમાં નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી સહભાગી થયા હતા. આ જહાજ કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવ્યું છે. આ જહાજને 'ડોલ્ફિન હન્ટર' તરીકે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મનની સબમરીન શોધી કાઢવી, તેનો પીછો કરવો અને તેનો નાશ કરવાનો છે. આ જહાજ સ્વદેશી અને અત્યાધુનિક એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમથી સજ્જ છે.

ચેન્નાઈ બંદર પર આયોજિત એક સત્તાવાર સમારોહમાં એડમિરલ ત્રિપાઠી દ્વારા નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ જહાજને ઔપચારિક રીતે કાર્યરત કરવામાં આવ્યું હતું. તેનું નામ 'અંજદીપ' કર્ણાટકના કારવાર કિનારા પાસે આવેલા અંજદીપ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી બનેલું છે, જેનાથી દેશની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને બળ મળશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે. અંજદીપ એ નૌસેનાના આ જ નામ ધરાવતા જૂના યુદ્ધ જહાજનો નવો અવતાર છે, જે જૂનું જહાજ 2003માં નિવૃત્ત થયું હતું.

મુખ્ય ટેકનિકલ પાસાઓ

લંબાઈ અને ગતિ: 77 મીટર લાંબા આ જહાજમાં હાઇ-સ્પીડ વોટર-જેટ પ્રોપલ્શન સિસ્ટમ લગાડવામાં આવી છે, જે તેને ઝડપી પ્રતિક્રિયા અને સતત કામગીરી માટે 25 નોટિકલ માઈલની મહત્તમ ગતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે.

નિર્માણ: નૌસેનાએ જણાવ્યું કે આ અત્યાધુનિક જહાજ ખાસ કરીને દરિયાકાંઠાના યુદ્ધ વાતાવરણના પડકારોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

બહુપક્ષીય ભૂમિકા: સબમરીન વિરોધી ભૂમિકા ઉપરાંત, આ યુદ્ધ જહાજ દરિયાકાંઠાની દેખરેખ, ઓછી તીવ્રતાના દરિયાઈ અભિયાનો અને શોધ તેમજ બચાવ કામગીરી હાથ ધરવા માટે પણ સજ્જ છે.

મુખ્ય વિશેષતાઓ

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેને 'ડોલ્ફિન હન્ટર' તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મન સબમરીન શોધી તેને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે.

આ શ્રેણીના યુદ્ધ જહાજો વોટરજેટથી ચાલતા નૌસેનાના અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધ જહાજો છે.

તેમાં અત્યાધુનિક હળવા ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ અને છીછરા પાણીમાં કામ કરતી સોનાર સિસ્ટમ લગાડવામાં આવી છે.

આનાથી સમુદ્રના ઊંડાણમાં રહેલા દુશ્મનના જોખમોને શોધવાની અને તેને નષ્ટ કરવાની ક્ષમતા વધશે.

આ જહાજ નૌસેનાની દરિયાકાંઠાની દેખરેખ અને દરિયામાં સુરંગો બિછાવવાની ક્ષમતાને પણ મજબૂત કરશે.