Fri Jun 26 2026

Logo

ભારતના ચિનાબ ડેમ પર હુમલો કરીને પણ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાથી બચી શકે છેઃ પાક એક્સપર્ટ

islamabad   2026-06-26 15:34:58
Author: mumbai samachar team
Article Image

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી ગયા વર્ષથી સતત વિવાદનું મુખ્ય કેન્દ્ર બનેલી છે. પહલગામ હુમલા પછી સિંધુ જળ સંધિ (ઇન્ડસ વોટર ટ્રીટી) સ્થગિત કરવા અને ત્યારપછી ચિનાબ નદી પર ડેમ બનાવવાની ભારતીય યોજનાથી પાકિસ્તાન અકળાયેલું છે. પાકિસ્તાની નેતાઓ અને આર્મી ઓફિસરોએ આ મુદ્દે ભારતને યુદ્ધની પોકળ ધમકીઓ (ગીદડભભકી) પણ આપી છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના વકીલ અને ભૂતપૂર્વ કાર્યકારી કાયદા મંત્રી અહમર બિલાલ સૂફીએ મોટો દાવો કરતા કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક એવા પાસાં પણ છે જે ભારતના ડેમોને સૈન્ય હુમલાઓ સામે સુરક્ષા નથી આપતા.

યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદો જે બાંધકામોને સુરક્ષા આપે છે, તેમાં ડેમ (બંધ) પણ સામેલ છે. એક લેખમાં અહમર બિલાલ સૂફીએ એ સવાલ પર ચર્ચા કરી છે કે, પાકિસ્તાની પક્ષ ધમકીઓ તો આપી રહ્યો છે પરંતુ શું ખરેખર ચિનાબ નદી પર બનેલા ડેમને હુમલાનું નિશાન બનાવી શકાય? ભારત ચિનાબ નદીના ઉપરના ભાગમાં ચાર મોટા હાઇડ્રો પ્રોજેક્ટ્સ - પાકલ ડુલ, કિરુ, ક્વાર, રાતલે અને વિશાળ સવાલકોટ પર કામ કરી રહ્યું છે.

શું ડેમ (બંધ) પર હુમલો થઈ શકે છે?

સૂફી કહે છે, 'મહત્વનો સવાલ એ છે કે શું પાકિસ્તાન ચિનાબ નદી પર ભારત દ્વારા બનાવવામાં આવી રહેલા કોઈ ડેમ કે પાણીની સુરંગ પર હુમલો કરી શકે છે? આ સવાલ 1949ના જિનીવા કન્વેન્શનના એડિશનલ પ્રોટોકોલ-I ના આર્ટિકલ 56 હેઠળ, સશસ્ત્ર સંઘર્ષ (યુદ્ધ) દરમિયાન ડેમ, તટબંધો અને આવી જગ્યાઓને મળતી સુરક્ષાના સંદર્ભમાં ઉઠાવવામાં આવે છે.'

આનો સીધો જવાબ એ છે કે આવું કોઈ પણ બાંધકામ ત્યારે પોતાનો સુરક્ષાનો અધિકાર ગુમાવી દે છે, જ્યારે તેનો ઉપયોગ નીચાણવાળા વિસ્તારમાં આવેલા દેશની વિરુદ્ધ સૈન્ય હેતુ માટે કરવામાં આવી રહ્યો હોય. વર્તમાન કિસ્સામાં, બની રહેલા ડેમ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ સુરક્ષિત ન હોઈ શકે કારણ કે તેને સૈન્ય હેતુથી બનાવવામાં આવી રહી છે, પછી ભલે તે સામાન્ય નાગરિકોની મિલકત કેમ ન હોય.

'પાકિસ્તાને પોતે જ સૈન્ય હેતુ સાબિત કર્યો'

સૂફીનો દાવો છે કે ભારતનું વલણ પાકિસ્તાનને એવો તર્ક આપવામાં મદદ કરશે કે ચિનાબ નદી પરના ડેમ આક્રમક ઈરાદાથી બનાવવામાં આવી રહ્યા છે. આ વાતને બે ઉદાહરણો દ્વારા સમજી શકાય છે. એક- ભારતના જળ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે કે આગામી વર્ષોમાં પાણીનું એક પણ ટીપું પાકિસ્તાન નહીં જાય. બીજું- ભારત કહે છે કે 'ઓપરેશન સિંદુર' હજુ પૂરું નથી થયું.

પાકિસ્તાનનું પાણી રોકવું એ તેની સામે સિંચાઈ અને સામાન્ય લોકો માટે સંકટ ઊભું કરે છે. તેથી, જો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદા અથવા 'જસ એડ બેલમ' (યુદ્ધ શરૂ કરવાનો અધિકાર) ના દાયરામાં રહીને આવા કોઈ પણ બાંધકામને અટકાવવા, તેમાં વિલંબ કરવા અથવા તેને સંપૂર્ણપણે રોકવા માટે કોઈ પગલાં લે છે, તો તેનું આ પગલું યોગ્ય માનવામાં આવશે.

પાકિસ્તાનનો વાંધો યોગ્ય: સૂફી

સૂફીનો દાવો છે કે ભારત આ ડેમના બાંધકામને પાકિસ્તાનને 'સજા આપવાના' સૈન્ય હેતુ સાથે જોડે છે. જો ભારતે IWT (સિંધુ જળ સંધિ) હેઠળ કોઈ ડેમ બનાવવાની યોજના બનાવી હોત, તો પાકિસ્તાન તેની સામે વાંધો ઉઠાવી શક્યું ન હોત. સંધિને અટકાવીને ભારતે યુદ્ધના નિયમો હેઠળ ડેમ અને તટબંધોને મળતી પરંપરાગત સુરક્ષાને ખતમ કરી દીધી છે.