Sun Jul 26 2026

Logo

ઈરાનથી 70થી વધુ ભારતીય વિદ્યાર્થીની સુરક્ષિત 'વતનવાપસી': આર્મેનિયા થઈને સાહસભર્યા રસ્તે દિલ્હી પહોંચ્યા

2026-03-15 20:57:46
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાનમાં ફસાયેલા 70થી વધુ  ભારતીય વિદ્યાર્થીઓનું પહેલું ગ્રૂપ અર્મેનિયા થઈને દિલ્હી આવી પહોંચ્યું હતું. આ વિદ્યાર્થીઓ ઉર્મિયા અને તેહરાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. સરકારે દિલ્હી એરપોર્ટથી એમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ માટે ખાસ પ્રકારની બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર વિદ્યાર્થી સંઘે એ વાતની પુષ્ટી કરી હતી કે, ઈરાનથી 70થી વધારે વિદ્યાર્થી ભારત આવી પહોંચ્યા છે. 

આર્મેનિયા થઈને ભારત આવ્યા

આ તમામ વિદ્યાર્થીઓ આર્મેનિયા થઈને ભારત આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ ઘરે આવતા એમના પરિવારજનોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. વતન વાપસીનો આ રસ્તો ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ ન હતો. વિદ્યાર્થી સંઘના નાસિર ખુણહામીએ જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓએ ઈરાનના અલગ અલગ શહેરમાંથી બોર્ડર પાર કરીને આર્મેનિયા સુધી બસ કરીને લાંબા સફર કાપી હતી. આ પડકારજનક બસ યાત્રા હતી.આ પછી યેરેવાનના જ્વાર્ટનોટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈની ફ્લાઈટ મળી અને દુબઈથી ક્નેક્ટિંગ ફ્લાઈટ વડે રવિવારે તેઓ ભારતના દિલ્હી શહેરમાં આવી પહોંચ્યા હતા. 

કમર્શિયલ ફ્લાઈટથી શક્ય બન્યું

કમર્શિયલ ફ્લાઈટ શરૂ થતા ભારતીય વિદ્યાર્થીઓનું ભારત આવવું શક્ય બન્યું છે. વતનમાં પાછા આવેલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ શાખામાં અભ્યાસ કરી રહ્યા છે. ઈરાનની જુદી જુદી યુનિવર્સિટીમાં તેઓ અભ્યાસ કરી રહ્યા હતા. ઈરાનમાં હાલાત બગડતા તેઓ ભારતીય દૂતાવાસમાં પહોંચ્યા હતા.દૂતાવાસે અગાઉથી જ સુરક્ષિત સ્થાન પર પહોંચાડીને પગલાં લેવાના શરૂ કર્યા હતા.વિદેશ મંત્રાલય અને ભારતીય એજન્સીએ સતત એના પર નજર રાખી હતી.

દિલ્હીથી જમ્મુ કાશ્મીરની બસ

દિલ્હી એરપોર્ટ પર આવેલા વિદ્યાર્થીઓ માટે સરકારે જમ્મુ કાશ્મીર જવા ખાસ વ્યવસ્થા કરી હતી. એરપોર્ટ પરથી જ બસ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્લીપર બસ તૈયાર રાખવામાં આવી હતી. આ પછી વિદ્યાર્થીઓ પોતાના વતનમાં પાછા ફર્યા હતા. સતત રોડ અને એર ટ્રિપને કારણે આ વિદ્યાર્થીઓના ચહેરા પર થાક સ્પષ્ટ જોઈ શકાતો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ શ્રીનગરની ફ્લાઈટ માટે પૂછપરછ કરી હતી.