નવી દિલ્હી : ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશની સુરક્ષા માટે અત્યા આધુનિક હથિયારો અને ટેક્નોલોજીની ખરીદી કરવામાં આવી રહી છે. જે દરમિયાન આર્મીને વધુ મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે T-72 અને T-90 ટેન્કો માટે સ્વદેશી ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs)ખરીદવા રૂપિયા 586 કરોડનો કરાર કર્યો છે.
સેનાના મિકેનાઇઝ્ડ ફોર્મેશન્સની સજ્જતા
આ કરાર હેઠળ બે પ્રકારના ટેન્ક માટે સ્વદેશી ઓક્સિલરી પાવર યુનિટ્સ (APUs)મેળવવામાં આવશે. APU ટેન્કની વિવિધ મહત્વપૂર્ણ પ્રણાલીઓને પાવર પૂરો પાડે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વદેશી APUનો સમાવેશ સેનાના મિકેનાઇઝ્ડ ફોર્મેશન્સની સજ્જતા, વિશ્વસનીયતા અને સતત કાર્યકારી ક્ષમતાને મજબૂત બનાવશે.
ટેન્કોમાં સ્વદેશી રીતે વિકસિત APU લગાવાશે
સંરક્ષણ મંત્રાલયે 21 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં 'એક્યુરેટ ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ' સાથે રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, T-72 અને T-90 ટેન્કોમાં સ્વદેશી રીતે વિકસિત APU(ઓક્ઝિલરી પાવર યુનિટ્સ) લગાવવામાં આવશે.
મહત્વપૂર્ણ પ્રણાલીઓના સ્વદેશીકરણની દિશામાં પગલું
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ખરીદી સશસ્ત્ર પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ પ્રણાલીઓના સ્વદેશીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે 'મેક-II'શ્રેણી હેઠળ હાથ ધરવામાં આવેલા ઉદ્યોગ-આધારિત સંશોધન અને વિકાસને ઉત્પાદન અને સેનામાં સામેલ કરવાની પ્રક્રિયામાં પરિવર્તિત કરવાની સફળતાને પણ દર્શાવે છે.