Mon Oct 05 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ યુપીનું ચાર રાજ્યોમાં વિભાજન કરાય તો વિકાસ ઝડપથી થાય

2026-09-22 07:42:27
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ યુપીનું ચાર રાજ્યોમાં વિભાજન કરાય તો વિકાસ ઝડપથી થાય

ભરત ભારદ્વાજ

આવતા વરસે માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે ને આ ચૂંટણી જીતવા બધા રાજકીય પક્ષો પોતપોતાની રીતે તિકડમ લગાવી રહ્યા છે ત્યારે ભાજપના સાથી ઓમપ્રકાશ રાજભરે ઉત્તર પ્રદેશનું ચાર રાજ્યોમાં વિભાજન કરવાની  માગણીનો પાસો ફેંકી દીધો છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એસબીએસપીના મુખિયા  ઓમ પ્રકાશ રાજભરે અલગ પૂર્વાંચલ રાજ્યની માંગ કરીને દાવો કર્યો છે કે, ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના ચાર ભાગ પડી શકે છે અને પૂર્વાંચલને રાજ્યનો દરજજો મળે તો રાજભરનો દીકરો પહેલો મુખ્યમંત્રી બનશે.

રાજભરે પોતાનો દીકરો મુખ્યમંત્રી બનશે કે રાજભર સમાજનો દીકરો મુખ્યમંત્રી બનશે તેની ચોખવટ કરી નથી પણ નેતાઓ બીજાં માટે કશું માગતા નથી ને બીજાંને કશું આપવામાં માનતા પણ નથી તેથી ઓમપ્રકાશ રાજભર પણ પોતાના દીકરાની જ વાત કરી રહ્યા હોવાનું અર્થઘટન થઈ રહ્યું છે. ઓમ પ્રકાશ રાજભરને અરવિંદ રાજભર અને અરૂણ રાજભર એમ બે દીકરા છે અને બંને રાજકારણમાં સક્રિય છે તેથી રાજભર બંનેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવા માગતા હોય એ શક્ય છે.

રાજભરે તો ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ ઓબસી માટેની 27 અનામતમાં ફેરફાર કરવાની  માંગ પણ કરી છે. રાજભરનું કહેવું છે કે, અનામતનો લાભ તમામ પછાત સમુદાયો સુધી સમાન રીતે પહોંચતો નથી તેથી ઓબીસી અનામતમાં પણ પેટા-અનામત રાખવી જોઈએ અને કોને કેટલી અનામત આપવી એ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને આધારે નક્કી કરવું જોઈએ. આપણે ત્યાં હજુ વસતી ગણતરી પતી નથી તેથી કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તેના આંકડા ઉપલબ્ધ નથી. આ આંકડા આવતાં બે વરસ લાગી જશે એ જોતાં ઓબીસી અનામતમાં પેટા-અનામતનો મુદ્દો હમણાં ચર્ચાય એવો નથી પણ ઉત્તર પ્રદેશના વિભાજનનો મુદ્દો ચોક્કસ ચર્ચામાં છે.

રાજભરે ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને પૂર્વાંચલનું અલગ રાજ્ય બનાવવાની માગણી પહેલાં પણ કરી છે પણ ચૂંટણી તાકડે જ તેમણે આ વાત કરી તેના કારણે એવી અટકળો પણ શરૂ થઈ છે કે, ચૂંટણી પહેલાં રાજભર ભાજપનો સાથ છોડીને માયાવતીની પંગતમાં બેસી જવાની ફિરાકમાં છે કેમ કે ઉત્તર પ્રદેશનું ચાર રાજ્યોમાં વિભાજન કરવાનું તિકડમ મૂળ માયાવતીના ભેજાની પેદાશ છે. ઉત્તર પ્રદેશનું ચાર રાજ્યોમાં વિભાજન કરવાને માયાવતીએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવ્યો હતો પણ માયાવતીને આ મુદ્દો ફળેલો નહીં.

માયાવતીએ 2011માં યુપીને ચાર નાનાં રાજ્યો પૂર્વાંચલ, બુંદેલખંડ, અવધ પ્રદેશ અને પશ્ચિમ પ્રદેશમાં વિભાજિત કરવાનો ઠરાવ વિધાનસભામાં પસાર પણ કરાવી દીધેલો પણ કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી તેથી આ ઠરાવને સ્વીકારાયો નહોતો. માયાવતી આ મુદ્દાને લોકોની વચ્ચે લઈ ગયેલાં. એ વખતે મુલાયમસિંહ યાદવ જીવતા હતા ને તેમણે યુપીના વિભાજનનો ઉગ્ર વિરોધ કરેલો. ભાજપ ભૂતકાળમાં યુપીના વિભાજનની વાત કરી ચૂકેલો પણ માયાવતીની વાતને ટેકો આપવા જતાં માયાવતીને ફાયદો થાય એ ડરે ચૂપ રહેલો.

વિધાનસભા ચૂંટણીમાં યુપીના વિભાજનથી શું ફાયદા થાય તેની વાત માયાવતીએ ઉગ્રતાથી રજૂ કરેલી પણ લોકોએ આ મુદ્દાને સમર્થન ના આપ્યું. માયાવતી હારી ગયાં ને વિભાજનના વિરોધી અખિલેશ-મુલાયમ સિંહ યાદવ સત્તામાં આવ્યા તેથી આખી વાત ભૂલાઈ ગયેલી. હવે રાજભરે પાછો પલિતો ચાંપ્યો છે તેથી વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો પાછો ગાજશે. રાજભર ભાજપના સાથી છે તેથી ભાજપે આ મામલે વલણ પણ સ્પષ્ટ કરવું પડશે એટલે આ મુદ્દે બબાલનાં ઘર તો છે જ.

અત્યારના રાજકારણમાં માયાવતી ઉત્તર પ્રદેશનું ચાર રાજ્યોમાં વિભાજન કરવાનાં સૌથી પ્રખર હિમાયતી છે તેથી આ વિચાર તેમના ભેજાની પેદાશ ગણી શકાય પણ મૂળ યુપીના વિભાજનનો વિચાર ડો. બાબાસાહેબ આંબેડકરનો છે. ફરક એટલો છે કે, બાબાસાહેબે યુપીનું ત્રણ રાજ્યોમાં વિભાજન કરવાની વાત કરેલી જ્યારે માયાવતી ચાર રાજ્યોની વાત કરી રહ્યાં છે. બાબાસાહેબે 1955માં પ્રસિદ્ધ થયેલા તેમના પુસ્તક ‘થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ’માં  ઉત્તર પ્રદેશને પશ્ચિમ ક્ષેત્ર, પૂર્વ ક્ષેત્ર અને મધ્ય ક્ષેત્ર એમ ત્રણ રાજ્યોમાં વિભાજિત કરવાની તરફેણ કરી છે. પશ્ચિમ ક્ષેત્રની રાજધાની મેરઠ, પૂર્વ ક્ષેત્રની રાજધાની અલ્હાબાદ અને મધ્ય ક્ષેત્રની રાજધાની કાનપુર રાખવી જોઈએ એવું તેમનું સૂચન હતું.

માયાવતીએ 2011માં યુપીનું ચાર રાજ્યોમાં વિભાજનનો ઠરાવ પસાર કરાવ્યો ત્યારે નામ અલગ રાખેલાં પણ વિસ્તારો બાબાસાહેબે સૂચવ્યા પ્રમાણેના જ હતા. માયાવતીના ઠરાવમાં પૂર્વ યુપીના 32 જિલ્લાનું અલગ રાજ્ય પૂર્વાંચલ બનાવવાની વાત હતી અને તેની રાજધાની ગોરખપુર રાખવાનું સૂચન હતું. વારાણસી પણ પૂર્વાંચલમાં રાખવાની વાત હતી. હાલની રાજધાની લખનઊ સહિતના વિસ્તારોનો ‘અવધ પ્રદેશ’ જ્યારે મેરઠ અને ગાઝિયાબાદ સહિતના 22થી 27 જિલ્લાઓનો ‘પશ્ચિમ પ્રદેશ’ અથવા ‘હરિત પ્રદેશ’ બનાવવાનું સૂચન હતું.

મધ્ય પ્રદેશ સરહદે આવેલા બુંદેલખંડમાં યુપીના સાત જિલ્લાનો સમાવેશ કરીને ઝાંસીને રાજધાની રાખવાની યોજના રજૂ કરેલી. ઝાંસી, લલિતપુર, જાલૌન, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર અને મહોબા એમ યુપીના સાત જિલ્લા ઉપરાંત મધ્ય પ્રદેશના  સાગર, પન્ના, દમોહ, છતરપુર, ટીકમગઢ, દતિયા અને નિવારી મળીને 14 જિલ્લાનો આખો પ્રદેશ બુંદેલખંડ કહેવાય છે. 

મધ્ય પ્રદેશનું પણ વિભાજન કરવાની વાત હતી તેથી કૉંગ્રેસ અને ભાજપ ખચકાઈ ગયેલાં પણ માયાવતી આખા બુંદેલખંડનું રાજ્ય બનાવવા માગતાં હતાં. રાજભરે ક્યા ચાર રાજ્યો બનવાં જોઈએ તેની વાત કરી નથી પણ ભાષા અને લોકજીવનના આધારે યુપીનું આ ચાર રાજ્યોમાં જ વિભાજન થઈ શકે તેમ છે તેથી રાજભર પણ માયાવતીવાળી રેકર્ડ જ વગાડી રહ્યા છે એ સ્પષ્ટ છે.

માયાવતીની માગણીને જનસમર્થન ના મળતાં આ મુદ્દો ભલે ભૂલાઈ ગયો પણ વહીવટી અને લોકકલ્યાણની દૃષ્ટિએ યુપીનાં ચાર રાજ્યોમાં વિભાજન જરૂરી છે. યુપી અત્યારે 25 કરોડની વસતી સાથે દેશનું સૌથી વધારે વસતી ધરાવતું રાજ્ય છે. 80 જિલ્લાના કારણે વહીવટી રીતે પણ યુપી દેશમાં સૌથી મોટું રાજ્ય છે પણ તેનો વહીવટ રામભરોસે જ ચાલે છે કેમ કે લખનઊમાં બેઠેલી સરકાર આખા રાજ્ય પર નજર રાખી શકે તેમ જ નથી.  

લખનઊમાં બેઠેલા સત્તાધીશોને સહારનપુર કે મેરઠમાં શું ચાલે છે તેની ખબર જ પડતી નથી. દૂરના વિસ્તારોમાં વિકાસનાં કામો બરાબર ચાલે છે કે નહીં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે કે નહીં એ જાણવા માટે સરકારી અધિકારીઓ અથવા બિનસત્તાવાર રીતે નિમેલા સૂબાઓની વાતો પર જ નિર્ભર રહેવું પડે.

લોકો માટે પણ આ સ્થિતિ ફાયદાકારક નથી કેમ કે રાજધાની સુધી ધક્કા ખાવામાં લોકો લાંબા થઈ જાય. આ કારણોસર ભરપૂર પાણી અને કુદરતી સંપદા હોવા છતાં યુપી પછાત રહી ગયું. નાનાં રાજ્યોમાં વિભાજન થાય તો વિસ્તાર ઓછો હોવાના કારણે રાજધાનીમાં બેઠાં બેઠાં બધે નજર રાખી શકાય ને આખા પ્રદેશનો વિકાસ થઈ શકે.