Fri Sep 04 2026

Logo

હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ શકશે ભારતીય જહાજો, જયશંકરે કર્યો જાદુ

2026-03-12 11:22:00
Author: Mayur Patel
હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ શકશે ભારતીય જહાજો, જયશંકરે કર્યો જાદુ

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે ફોન કોલ બાદ ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. આ પગલું ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. 

સૂત્રોએ જણાવ્યું કે, વિદેશ પ્રધાને ઈરાનના  અરાઘચી સાથે વાત કર્યા બાદ ઈરાને ભારતીય ઓઈલ ટેન્કરોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. બંને દેશોના વિદેશ પ્રધાનની વાતચીતનો હેતુ ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસનો પુરવઠો ન ખોરવાઈ તે માટે મહત્ત્વના દરિયાઈ માર્ગને ખોલવાનો હતો.   

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકરે માત્ર ઈરાન જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ અન્ય દેશો સાથે તાલમેલ બેસાડ્યો હતો. તેમણે રશિયા અને ફ્રાન્સના વિદેશ પ્રધાન સાથે આ ગંભીર મુદ્દે ચર્ચા કરી હતી. જેનો હેતુ દરિયાઈ વ્યાપારિક માર્ગોને ખુલ્લા રાખવા અને વૈશ્વિક સપ્લાઈ ચેનને ખોરવાતી બચાવવાનો હતો.

ઈરાને અમેરિકા, યુરોપ અને ઈઝરાયલ સાથે જોડાયેલેા જહાજોને હોર્મુઝ ખાડીમાંથી પસાર થવા મંજૂરી નથી આપી પરંતુ ભારતને આપી છે. ભારતને છૂટ આપીને ઈરાને સ્પષ્ટ કર્યુ છે કે અમેરિકા, ઈઝરાયલે હજુ પ્રતિબંધોનો સામનો કરવો પડશે પરંતુ ભારતીય ટેન્કરો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.

એક રીતે જોવા જઈએ તો ભારતની આ કૂટનીતિક સફળતા છે. કારણકે વર્તમાનમાં હોર્મુઝ ખાડીમાં ટ્રાફિક 90 ટકા સુધી ઘટી ગયો છે અને ઘણા દેશોના ટેન્કર તેમાં ફસાયેલા છે.

હોર્મુઝની ખાડી  કેમ મહત્વની છે?

હોર્મુઝની ખાડી  ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો 55 કિલોમીટર પહોળો જળમાર્ગ છે, જે પર્શિયન ગલ્ફ (ઈરાની અખાત) ને અરબી સમુદ્રથી અલગ કરે છે. વૈશ્વિક ઉર્જા ક્ષેત્રની દ્રષ્ટિએ આ વિસ્તાર વિશ્વની સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ શિપિંગ રૂટ પૈકીની એક ગણાય છે.

સામાન્ય રીતે દરરોજ લગભગ 1.3 કરોડ બેરલ ઓઈલ આ જળમાર્ગ પરથી પસાર થાય છે – જે વૈશ્વિક ઓઈલ શિપમેન્ટના આશરે 31 ટકા જેટલું છે. આ ખાડીમાં અવરજવર પરનો પ્રતિબંધ ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તેમજ ઈરાનના મુખ્ય બંદરોને સીધી અસર કરે છે. આમાંના કેટલાય દેશો માટે, આ માર્ગ વિશ્વના બજારો સુધી ઓઈલ પહોંચાડવા માટેનો પ્રાથમિક રસ્તો છે.

વિશ્વના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો મોટો હિસ્સો પણ આ જ માર્ગેથી પસાર થાય છે. જ્યારે આ પ્રવાહ થોડા સમય માટે પણ ખોરવાય છે, ત્યારે તેની માઠી અસરો વૈશ્વિક નાણાકીય બજારો, સપ્લાય ચેઇન અને વિશ્વભરના સામાન્ય લોકોના બજેટ પર જોવા મળે છે.