Mon Apr 20 2026

Logo

ગોળીબારના ગંભીર ખતરા વચ્ચે ભારતીય જહાજ ‘દેશ ગરિમા’એ હોર્મુઝ માર્ગ પાર કર્યો, 22 એપ્રિલે પહોંચશે ભારત

2026-04-20 09:34:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ  મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ હજી ઓછો થયો નથી. તેવામાં ભારત માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. એક સમાચાર પ્રકાસિત થયા હતા કે, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની સૈન્યએ બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર દેશ ગરિમા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પસાર થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ જહાજમાં કૂલ 31 ભારતીય નાગરિકો હતા. આ તમામ લોકો પણ સુરક્ષિત છે તેવું જાણવા મળ્યું છે. ભારત માટે આ સમાચાર અતિમહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી અત્યારે કોઈ પણ જહાજ પસાર થઈ રહ્યું નથી અને ભારતીય જહાજ ત્યાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે. 

દેશ ગરીમાએ સુરક્ષિત રીતે હોર્મુઝ દરિયાઈ માર્ગ પાર કર્યો

ભારતીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશ ગરીમા 18 એપ્રિલના રોજ આ તોફાની દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, જ્યારે ઈરાની સૈન્યએ આ વિસ્તારમાં નાકાબંધી લાદી હતી. મંત્રાલયે પુષ્ટિ આપી છે કે જહાજે કોઈપણ નુકસાન વિના તેની સફર પૂર્ણ કરી છે અને 22 એપ્રિલ સુધીમાં મુંબઈ પહોંચવાની અપેક્ષા છે. આજે સવારે જ એવા સમાચાર મળ્યાં હતા કે, ઈરાને ભારતીય ઝંડા વાળા જહાજ પર ગોળીબાર કર્યો છે. ઈરાની સૈન્યએ બે અન્ય જહાજો - VLCC સમનાર હેરાદ અને માલવાહક જહાજ જગ અર્નવ પર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

ભારત સરકાર અને દરિયાઈ અધિકારીઓહાઈ એલર્ટ પર 

હોર્મુઝની સ્થિતિને ધ્યાને રાખથા ભારત સરકાર અને દરિયાઈ અધિકારીઓ હાઈ એલર્ટ પર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે દરિયાઈ અધિકારીઓ ભારતીય નાવિકોની સલામતી અને જહાજોના અવિરત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. હાલમાં સરકારનું પ્રાથમિક ધ્યાન તેના નાગરિકો અને વ્યાપારી હિતોનું રક્ષણ કરવા પર છે. ઈરાને હુમલો કર્યો તેના કારણે આ બંને જહાજોને પાછું ફારસની ખાડી તરફ જવું પડ્યું હતું. જો કે, સારા સમાચાર એ હતા કે, આ ગોળીબારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ હાનિ થઈ નહોતી, દરેક ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાના અહેવાલ મળ્યાં છે.