નવી દિલ્હીઃ ગત ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્તરે પેસેન્જર વાહનોના ઉત્પાદકોની ડીલરોને થતી વાહનોની રવાનગી ફેબ્રુઆરી, 2025નાં 3,77,689 યુનિટ સામે 10.6 ટકા વધીને 4,17,705 યુનિટની સપાટીએ રહી હતી. જોકે, પ્રવર્તમાન પશ્ચિમ એશિયાના યુદ્ધની ઉત્પાદન તથા નિકાસ પર માઠી અસર થવાની ચિંતા સપાટી પર આવી હોવાનું સ્થાનિક ઑટોમોબાઈલ ઉત્પાદકોના સંગઠન સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરસર્સ (સિઆમ)એ એક યાદીમાં જણાવ્યું છે.
એકંદરે ગત મહિનામાં યુટિલિટી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 13.5 ટકા વધીને 2,36,957 યુનિટ (2,08,795 યુનિટ)ની સપાટીએ રહ્યું હોવાથી કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે, પેસેન્જર કારનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 3.8 ટકા ઘટીને 1,06,799 યુનિટ (1,10,966 યુનિટ)ની સપાટીએ તેમ જ વાનનું વેચાણ ફેબ્રુઆરી મહિનાના 11,493 યુનિટ સામે સાધારણ 1.1 ટકા વધીને 11,620 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું સિઆમે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું.
વધુમાં ગત ફેબ્રુઆરી મહિનામાં દ્વીચક્રી વાહનોનું વેચાણ ફેબ્રુઆરી, 2025ના 13,84,605 યુનિટ સામે 35.2 ટકા વધીને 18,71,406 યુનિટની સપાટીએ રહ્યું હતું. જેમાં મોટરસાઈકલનું વેચાણ 30.8 ટકા વધીને 10,96,537 યુનિટ (8,38,250 યુનિટ અને સ્કૂટરનું વેચાણ 42.3 ટકા વધીને 7,29,774 યુનિટ (5,12,783 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું. સિઆમની યાદી અનુસાર ગત ફેબ્રુઆરી મહિનામાં ત્રિચક્રી વાહનોનું વેચાણ ફેબ્રુઆરી, 2025ના 57,788 યુનિટ સામે 29 ટકા વધીને 74,573 યુનિટની સપાટીએ રહ્યું હતું.
એકંદરે ગત ફેબ્રુઆરી મહિનાની કામગીરી અંગે સિઆમનાં ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ગયા મહિને પેસેન્જર વાહનો, દ્વીચક્રી વાહનો અને ત્રિચક્રી વાહનોનાં વેચાણમાં સકારાત્મક દ્વીઅંકી સંખ્યામાં વૃદ્ધિદર જળવાઈ રહેવાની સાથે અત્યાર સુધીમાં ફેબ્રુઆરીનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. જોકે, હવે માર્ચ મહિનાના દેશનાં ઘણાં હિસ્સાઓમાં તહેવારોનો સમયગાળો છે, પરંતુ પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયલ તથા ઈરાનના યુદ્ધને કારણે ભૂરાજકીય તણાવને કારણે પુરવઠાચેઈન ખોરવાતા ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પડવાની સાથે સાથે નિકાસ પર પણ માઠી અસર થવાની ભીતિ ઉદ્યોગમાં સેવાઈ રહી છે. આથી ઉદ્યોગની નજર મધ્યપૂર્વના દેશોની ભૂરાજકીય સ્થિતિ પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.