તહેરાનઃ છેલ્લા કેટલાક દિવસોથી હોર્મુઝની ખાડીમાં ફસાયેલું ભારતીય ગેસ ટેન્કર VLGC શિવાલિક હવે સુરક્ષિત રીતે ખાડીમાંથી પસાર થઈ ચૂક્યું છે. સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર આ જહાંજમાં 40,000 મેટ્રિક ટનથી પણ વધારે LPG છે, જે ભારતમાં ગેસની કટોકટીને ઓછી કરી શકે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ ઑપરેશનને ભારતીય નૌસેનાએ પોતાના મોનિટરિંગ અંતર્ગત પાર પાડ્યું છે.
ભારતની કુટનીતિ
યુદ્ધના માહોલમાં હોર્મુઝ વિસ્તારમાંથી ભારતીય તિરંગો ધરાવતા જહાંજને પાસ કરાવવું તેને ભારતની કુટનીતિ તરીકે જોવામાં આવે છે.અત્યાર સુધીમાં ભારતના કુલ 38 જહાંજ અહીંયા ફસાયેલા હતા. જહાંજ શિવાલિક ત્યાંથી પસાર થયા બાદ આગળના છ કલાકમાં મોટા જહાંજ અહીંથી પસાર થાય એવી પૂરી અપેક્ષા રાખવામાં આવે છે.
ભારત સરકાર અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત બાદ આ રસ્તો ક્લિયર થયો છે. ભારતીય નૌસેનાના યુદ્ધ જહાંજ થકી આવા જહાંજને એસ્કોર્ટ કરી સુરક્ષા આપી શકાય છે.જેથી અંધારામાં થતા ડ્રોન હુમલા કે મિસાઈલ હુમલાથી જહાંજને બચાવી શકાય.
સંજીવની સમાન ગેસ
આ જહાંજમાં જે ગેસ ભારત આવી રહ્યો છે એ કોઈ સંજીવનીથી કમ નથી. ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે ભારતમાં ગેસ કટોકટી અને સપ્લાઈ ચેઈનને માઠી અસર થઈ છે.મુંબઈ અને બેંગ્લુરૂ જેવા શહેરોમાં જેની સ્પષ્ટ અસર વર્તાય રહી છે. શિવાલિક રવાના થતા એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે, પોતાના નાગરિકોના હિત માટે અને ઊર્જા માટે ભારતે સફળ નેગોશિએશન કર્યું છે.
આ શિપ રવાના થાય એ પહેલા જ ભારત સરકારના અધિકારીઓએ દાવા સાથે વાત કરી હતી કે, ભારતમાં ફ્યુલને લઈને કોઈ કટોકટી ઊભી નહીં થાય. યુદ્ધના માહોલમાં ભારતીય નૌસેનાનો દબદબો જોવા મળ્યો છે. ઈરાને પહેલા ધમકી ઉચ્ચારી હતી કે, હોર્મુઝમાંથી કોઈ જહાંજ પસાર નહીં થાય. હવે ભારતીય તિરંગા સાથે એક જહાંજ પસાર થતા ભારતીય નૌસેના પર દેશવાસીઓને ગર્વ થઈ રહ્યો છે.