અમદાવાદની ફાઇનલમાં બન્યા 14 નવા વિક્રમઃ સૌથી વધુ છગ્ગાનો રેકૉર્ડ હવે સૅમસનના નામે

અમદાવાદઃ 10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ (Ahmedabad)માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન પર રમાયેલી ન્યૂ ઝીલૅન્ડ સામેની ભારતની ફાઇનલ (Final)માં યોગાનુયોગ ગુજરાત રાજ્યના ત્રણ બોલરોની બોલબાલા હતી. ન્યૂ ઝીલૅન્ડે 256 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19 ઓવરમાં 159 રનમાં જે 10 વિકેટ ગુમાવી એમાંથી આઠ વિકેટ ગુજરાતના જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ લીધી હતી. એક-એક વિકેટ વરુણ ચક્રવર્તીને અને અભિષેક શર્માને મળી હતી.

બુમરાહ અમદાવાદનો જ છે, જ્યારે અક્ષર આણંદનો અને હાર્દિક વડોદરાનો છે. બુમરાહે શરૂઆતથી છેક સુધી કિવી બૅટ્સમેનો પર અંકુશ જાળવ્યો હતો અને ફક્ત 15 રનમાં ચાર વિકેટ લીધી હતી જે બદલ તેને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ મળ્યો હતો. તેણે ચારમાંથી ત્રણ કિવી બૅટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.

લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલે 27 રનમાં ત્રણ વિકેટ લઈને ટીમને જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે એક બૅટ્સમૅનને ક્લીન બોલ્ડ કર્યો હતો અને હાર્દિકે પણ ક્લીન બોલ્ડમાં વિકેટ લીધી હતી. ઓપનર ફિન ઍલનની સૌથી મહત્ત્વની વિકેટ અક્ષર પટેલે અપાવી હતી, જ્યારે ડેરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સ તેના બીજા બે શિકાર હતા.
અમદાવાદ ફાઇનલની રોમાંચક રેકૉર્ડ-બુક
(1) ભારત 2007 અને 2024 પછી હવે 2026માં પણ ટી-20નું ચૅમ્પિયન બન્યું. આ ફૉર્મેટના ત્રણ સર્વોચ્ચ ટાઇટલ જીતનાર ભારત પ્રથમ દેશ છે. આ ટૂર્નામેન્ટની બૅક-ટુ-બૅક ટ્રોફી જીતનાર પણ ભારત પહેલો દેશ છે. અગાઉ કોઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયને વિજેતાપદ મેળવ્યા પછીના વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પ્રવેશ નહોતો કર્યો, જ્યારે ભારતે તો ટાઇટલ જીતી લીધું. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ પાસે બે-બે ટાઇટલ છે. યજમાન દેશ ટી-20 વર્લ્ડ કપ જીત્યું હોય એવું પણ પહેલી જ વખત બન્યું છે.
(2) ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ભૂતકાળમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રણ મૅચમાં પરાજિત થયા પછી રવિવારે પહેલી જ વખત એની સામે વિજય મેળવ્યો અને એ પણ ફાઇનલમાં! હવે બન્ને દેશ વચ્ચે 1-3નો રેશિયો છે. ભારત આ વિશ્વ કપના ઇતિહાસમાં હવે એકમાત્ર શ્રીલંકાને ક્યારેય નથી હરાવી શક્યું.
(3) ટી-20 વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડના તમામ ટીમ-સ્કોર્સમાં ભારતનો રવિવારનો 5/255નો સ્કોર હવે હાઇએસ્ટ છે. ભારતે પોતાનો જ અગાઉનો વિક્રમ (સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 7/253) તોડ્યો છે.
(4) 96 રનનો માર્જિન ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો વિજયનો માર્જિન છે. આ જ વિશ્વ કપમાં ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું અને એ વિક્રમ તૂટ્યો છે.
(5) આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ રવિવારે 96 રનના એના સૌથી મોટા માર્જિનથી હાર્યું.
(6) બુમરાહે ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાં પહેલી વખત ચાર વિકેટ લીધી. રવિવારે તેણે 15 રનમાં ચાર વિકેટ મેળવી હતી અને મેન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ચાર વિકેટ લેનાર તે શ્રીલંકાના અજંથા મેન્ડિસ (2012માં વેસ્ટ ઇન્ડિઝ સામે 4/12) પછીનો બીજો બોલર બન્યો છે.
(7) મેન્સ ટી-20 આંતરરાષ્ટ્રીયની સતત બે મૅચમાં 250-પ્લસ રન કરનાર ભારત પ્રથમ દેશ છે. ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં ભારતનો સ્કોર 7/253 અને રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે 5/255 હતો.
(8) અભિષેક શર્માએ રવિવારે માત્ર 18 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને એ રીતે તે ટી-20 વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચોનો ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો હતો. તેણે ન્યૂ ઝીલૅન્ડના ફિન ઍલન (19 બૉલમાં 50) અને ઇંગ્લૅન્ડના જૅકબ બેથેલ (19 બૉલમાં 50)ના વિક્રમ તોડ્યા હતા.
(9) સંજુ સૅમસનના રવિવારના 89 રન ટી-20 વર્લ્ડ કપની ફાઇનલનો હવે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. તેણે વેસ્ટ ઇન્ડિઝના માર્લન સૅમ્યુલ્સ (ઇંગ્લૅન્ડ સામે 85 અણનમ) અને ન્યૂ ઝીલૅન્ડના કેન વિલિયમસન (ઑસ્ટ્રેલિયા સામે 85 રન)નો સહિયારો વિક્રમ તોડી નાખ્યો હતો. સૅમસન ટી-20 વર્લ્ડ કપમાં ઉપરાઉપરી ત્રણ મૅચમાં 80-પ્લસ રન કરનાર માહેલા જયવર્દને પછીનો વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.
(10) ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓપનિંગ બૅટ્સમેનોની 48 રનની સૌથી મોટી ભાગીદારી અગાઉ પાકિસ્તાનના કામરાન અકમલ અને શાહઝૈબ હસન વચ્ચે 2009માં બની હતી જે રેકૉર્ડ અભિષેક-સૅમસનની જોડીએ 98 રનની પાર્ટનરશિપ સાથે તોડી નાખ્યો છે.
(11) ટી-20 વર્લ્ડ કપની એક મૅચમાં શરૂઆતની પાવરપ્લેની છ ઓવરમાં અગાઉ વેસ્ટ ઇન્ડિઝનો વિશ્વવિક્રમ (1/92) હતો જે ભારતે રવિવારે 0/92ના સ્કોર સાથે તોડી નાખ્યો.
(12) ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાવરપ્લેની ઓવર્સ પૂરી થતાં પહેલાં જ 50 રનની સિદ્ધિ ચાર વખત મેળવનાર અભિષેક શર્મા વિશ્વનો એકમાત્ર પ્લેયર છે.
(13) સૅમસને એક ટી-20 વર્લ્ડ કપમાં ભારત વતી સૌથી વધુ 321 રન કરવાની સિદ્ધિ મેળવી છે. તેણે વિરાટ કોહલી (2014ના વિશ્વ કપમાં 319 રન)નો ભારતીય વિક્રમ તોડ્યો છે. સૅમસને સેમિ ફાઇનલ અને ફાઇનલ મળીને કુલ 178 રન કર્યા અને એ રીતે તેણે કોહલીનો 2014ની સાલનો વિશ્વવિક્રમ તોડ્યો છે. કોહલીએ 2014ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલ અને ફાઇનલ મળીને કુલ 149 રન કર્યા હતા.
(14) સૅમસને આ વખતના વર્લ્ડ કપમાં કુલ 24 સિક્સર ફટકારી. એક ટી-20 વિશ્વ કપમાં કોઈ પણ ખેલાડીની સૌથી વધુ સિક્સરનો આ નવો રેકૉર્ડ છે. તેણે કિવી પ્લેયર ફિન ઍલનના 20 છગ્ગાનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.