નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય-ચેઈનને માઠી અસર પહોંચી છે, એવામાં પુરવઠા વિક્ષેપથી સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે વિવિધ પેટ્રોકેમિકલ ઇપેદાશો પર કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે.
સંઘર્ષને કારણે શિપિંગ રૂટ બંધ થઇ ગયા છે, વિશ્વભરમાં પેટ્રોલિયમ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે. ભારતના નાણા મંત્રાલયે 40 પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દીધી છે, આ છૂટ આજે 2 એપ્રિલથી અમલમાં આવશે અને 30 જૂન, 2026 સુધી અમલમાં રહેશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુખ્ય પેટ્રોકેમિકલ ઇનપુટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં આપવામાં આવેલી આ છૂટ કામચલાઉ છે. પેટ્રોકેમિકલ પેદાશો અવિરત ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવા અને તમામ ક્ષેત્રોમાં ફુગાવાના દબાણ પર કાબુ રાખવામાં માટે આ છૂટ આપવામાં આવી છે.
ફીડસ્ટોક્સ અને એડવાન્સ પોલિમર બંને પર કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવી છે.
પેટ્રોકેમિકલ્સ કેમ વધુ મહત્વના?
નોંધનીય છે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય ઔદ્યોગિક ઇનપુટ છે. પેટ્રોકેમિકલ્સ પ્લાસ્ટિક પેકેજિંગ અને કાપડથી માંડીને કાર પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિસીન અને ફર્ટીલાઈઝર બનાવવા માટે મહત્વના છે. પેટ્રોકેમિકલ્સની કિંમતમાં વધારો સમગ્ર અર્થતંત્ર અસર કરી શકે છે.
આ પેટ્રોકેમીકલ્સ પર કસ્ટમ ડ્યુટી માફ:
બેઝીક કેમિકલ્સ અને ઇન્ટરમીડિયરી:
એનહાઈડ્રોસ એમોનિયા, ટોલ્યુએન, સ્ટાયરીન, ડાયક્લોરોમેથેન (મિથિલિન ક્લોરાઇડ), વિનાઇલ ક્લોરાઇડ મોનોમર, મિથેનોલ (મિથાઇલ આલ્કોહોલ), આઇસોપ્રોપીલ આલ્કોહોલ, મોનોઇથિલિન ગ્લાયકોલ (MEG), ફેનોલ, એસિટિક એસિડ, વિનાઇલ એસિટેટ મોનોમર, પ્યુરિફાઇડ ટેરેફ્થાલિક એસિડ (PTA), ઇથિલિન ડાયેથેનોલામાઇન, ડાયથેનોલામાઇન અને મોનોઇથેનોલામાઇન, ટોલ્યુએન ડાય-આઇસોસાયનેટ, એમોનિયમ નાઇટ્રેટ, લિનિયર આલ્કિલબેન્ઝેન્સ.
પોલિમર અને પ્લાસ્ટિક:
ઇથિલિનના પોલિમર (EVA સહિત), પોલીપ્રોપીલીન, પોલીસ્ટાયરીન, સ્ટાયરીન-એક્રિલોનિટ્રાઇલ (SAN), એક્રીલોનિટ્રાઇલ-બ્યુટાડીન-સ્ટાયરીન (ABS), પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC), પોલીટેટ્રાફ્લોરોઇથિલિન (PTFE), પોલીવિનાઇલ એસિટેટ, પોલીવિનાઇલ આલ્કોહોલ, પોલી (મિથાઇલ મેથાક્રાયલેટ), પોલીઓક્સિમિથિલિન (POM/એસિટલ)
એડવાન્સ મટિરિયલ અને એન્જિનિયરિંગ પ્લાસ્ટિક:
પોલીયોલ્સ, પોલિએથર ઈથર કેટોન (PEEK), ઇપોક્સી રેઝિન
પોલીકાર્બોનેટ્સ:
આલ્કિડ રેઝિન, પોલિઇથિલિન ટેરેફ્થાલેટ (PET) ચિપ્સ, અનસેચ્યુરેટેડ પોલિએસ્ટર રેઝિન, પોલિબ્યુટીલીન ટેરેફ્થાલેટ, પોલિયુરેથેન્સ, પોલિફેનાઇલીન સલ્ફાઇડ (PPS)
ઇન્ડસ્ટ્રીયલ રેઝિન અને રબર:
ફોર્માલ્ડીહાઇડ અને સંબંધિત રેઝિન (યુરિયા, મેલામાઇન, ફિનોલ ફોર્માલ્ડીહાઇડ), પોલીબ્યુટાડીન સ્ટાયરીન-બ્યુટાડીન રબર