Sat Apr 18 2026

Logo

અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઈનલ: ક્રિકેટના રોમાંચ વચ્ચે કાળઝાળ ગરમીની આગાહી

2026-03-08 09:35:00
Author: Tejas Rajpara
Article Image

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રમાશે. આ ઐતિહાસિક ક્ષણને માણવા માટે દેશ-વિદેશથી હજારો ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદમાં ઉમટી પડ્યા છે. જોકે, મેદાન પર ખેલાડીઓ વચ્ચેના જંગની સાથે દર્શકોએ આકાશી આફત એટલે કે કાળઝાળ ગરમીનો પણ સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચના દિવસે જ શહેરમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનોને કારણે ગરમી અને ઉકળાટમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ શહેરનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું હતું, જે આજે વધી શકે છે. ખાસ કરીને બપોરના સમયે સ્ટેડિયમમાં પ્રવેશતા દર્શકોએ આકરી ગરમી અને ભેજયુક્ત વાતાવરણનો સામનો કરવો પડશે, જેના કારણે ઉકળાટની સમસ્યા વધી શકે છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સૂર્યદેવ આકરા પાણીએ હોય તેવું જણાય છે. કચ્છનું ભુજ 39 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 38 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં હીટવેવની પણ ચેતવણી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને પસીના અને બફારાથી મુશ્કેલી પડી રહી છે, જેની અસર આજે મેચ દરમિયાન પણ જોવા મળી શકે છે.

આકરી ગરમીને ધ્યાનમાં રાખીને તબીબોએ સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, તેથી સતત પાણી પીવું અને શરીરને હાઈડ્રેટ રાખવું અનિવાર્ય છે. પ્રશાસન દ્વારા પણ સ્ટેડિયમની બહાર અને અંદર પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ હેલ્પ ડેસ્ક તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી ગરમીને કારણે કોઈ દર્શકની તબિયત લથડે તો તાત્કાલિક સારવાર આપી શકાય.