Mon Jun 15 2026

Logo

વન-ડે ટીમમાંથી પંતની બાદબાકી, ટેસ્ટની વાઇસ-કૅપ્ટન્સી પણ ગુમાવીઃ જાણી લો, અફઘાનિસ્તાન સામે કોણ-કોણ રમશે

2026-05-19 17:51:06
Author: Ajay Motiwala
Article Image

BCCI


ગુવાહાટીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને ભારત (India)ની વન-ડે ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યો છે અને અગાઉ તેને ટેસ્ટ ટીમનું જે ઉપકપ્તાનપદ સોંપવામાં આવ્યું હતું એ પણ પાછું લઈ લેવામાં આવ્યું છે. આવતા મહિને ઘરઆંગણે અફઘાનિસ્તાન (Afghanistan) સામે ભારતનો એક ટેસ્ટમાં અને ત્રણ વન-ડેમાં મુકાબલો થશે અને એ માટેની બન્ને ટીમ (Team) મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

આગામી છ જૂને ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં અફઘાનિસ્તાન સામે ભારતની એકમાત્ર ટેસ્ટ રમાશે. ત્યાર પછી 14મી જૂનથી અફઘાનિસ્તાન સામે ધરમશાલા, લખનઊ અને ચેન્નઈમાં અનુક્રમે ત્રણ વન-ડે રમાશે અને એ માટે જાહેર કરવામાં આવેલી બન્ને ટીમનું સુકાન શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં આ ટીમો નક્કી કરવામાં આવી હતી. નવેમ્બર, 2025માં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 0-2થી પરાજય થયા બાદ જૂનમાં પહેલી જ વખત ભારતની ટેસ્ટ-મૅચ રમાશે.

બુમરાહને આરામ, જાડેજા પણ ટીમમાં નથી, શ્રેયસ ઉપ-કપ્તાન

ટેસ્ટ ટીમમાં પંતના સ્થાને કે. એલ. રાહુલને વાઇસ-કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયરને વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવાયો છે. રિષભ પંત પણ એ ટેસ્ટ ટીમમાં છે. ધાર્યા મુજબ પેસ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ અને વન-ડે, બન્ને સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. વર્કલૉડ મૅનેજમેન્ટના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ત્યાર પછી ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ટીમમાં બુમરાહને સમાવવામાં આવશે. સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પણ બન્ને ટીમમાં નથી સમાવવામાં આવ્યો. તેને નજીવી ઈજા થઈ છે.
કયા નવા ખેલાડી ટીમમાં સામેલ?

કોને ડેબ્યૂનો મોકો?

બે પેસ બોલર પ્રિન્સ યાદવ તથા ગુર્નુર બ્રાર, લેફ્ટ-આર્મ સ્પિનર હર્ષ દુબે તેમ જ લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર માનવ સુથારને પહેલી વખત ભારત વતી રમવાનો મોકો મળી રહ્યો છે. બ્રાર અને સુથારને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યા છે, જ્યારે વર્તમાન આઇપીએલમાં ચમકી ગયેલા લખનઊ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવ તેમ જ ગુર્નુર બ્રાર અને હર્ષ દુબેને વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

હાર્દિક-કિશનના કમબૅક, પણ અનેકની એક્ઝિટ

હાર્દિક પંડ્યા તેમ જ ઇશાન કિશનને અફઘાનિસ્તાન સામેની વન-ડે ટીમમાં સમાવવામાં આવ્યા છે. જોકે રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા ઉપરાંત ધ્રુવ જુરેલ, આયુષ બદોની, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજની વન-ડે ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. તેઓ જાન્યુઆરીમાં જે વન-ડે ટીમમાં હતા એ ટીમનો ન્યૂ ઝીલૅન્ડ સામે 1-2થી પરાજય થયો હતો.

રોહિત-વિરાટ ફરી ભારત વતી રમતા જોવા મળશે

રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જોકે અફઘાનિસ્તાન સામે 14મી જૂનથી જે વન-ડે શ્રેણી રમાશે એમાં તેઓ રમતા જોવા મળશે. 2027માં વન-ડે વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં રમાનારી પ્રત્યેક વન-ડે શ્રેણીમાં આ બે પીઢ ખેલાડી રમતા જોવા મળી શકે.

બન્ને ટીમમાં કયા ખેલાડીઓ?

ભારતની ટેસ્ટ ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુર્નુર બ્રાર અને હર્ષ દુબે.

ભારતની વન-ડે ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, નીતીશકુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુર્નુર બ્રાર અને હર્ષ દુબે.