Mon Jun 15 2026

Logo

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર, 6 લોકોના મોત

Rio de Janeiro   2026-06-15 10:02:00
Author: Vimal Prajapati
Article Image

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં એક ગંભીર હવાઈ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જાનેરોમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કર થઈ છે. બ્રાઝિલના રિયો ડી જાનેરિયો શહેરમાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આકાશમાં ઉડી રહેલા બે હેલિકોપ્ટર કોઈ કારણોસર એકબીજા સાથે અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં બંને હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને હેલિકોપ્ટર શહેરના પશ્ચિમી વિસ્તારમાં ક્રેશ થઈને નીચે પડ્યા હતા.

ઇલેક્ટ્રિક કારોમાં લાગી ભીષણ આગ

મિલિટરી ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરોમાંથી એક હેલિકોપ્ટર નીચે આવેલી એક કાર ડીલરશિપ પર પડ્યું હતું. આ શોરૂમમાં અનેક મોંઘી ઇલેક્ટ્રિક ગાડીઓ પાર્ક કરેલી હતી. હેલિકોપ્ટર પડતાની સાથે જ શોરૂમમાં ઉભેલી ગાડીઓમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ એવિએશન ઓથોરિટી દ્વારા આ અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

 

પાકિસ્તાની સેનાના MI-17 હેલિકોપ્ટર પર હુમલો

પાકિસ્તાનનાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. લાંબા સમયથી પાક સરકાર અને સેનાના અત્યાચાર સામે આંદોલન કરી રહેલી PoKની જનતા હવે વધુ આક્રમક બની છે. અહેવાલો અનુસાર, સ્થાનિક વિદ્રોહીઓએ પાકિસ્તાની સેનાના એક MI-17 હેલિકોપ્ટરને નિશાન બનાવીને તોડી પાડ્યું છે. આ હેલિકોપ્ટર 21 સૈનિકોને લઈને મુઝફ્ફરાબાદ તરફ જઈ રહ્યું હતું. અકસ્માતમાં તમામ 21 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

જો કે, પાકિસ્તાની આર્મીએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે આ ઘટના કોઈ હુમલો નથી પરંતુ ટેકનિકલ ખામીના કારણે થયેલો અકસ્માત છે. બીજી તરફ PoKના સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ અકસ્માત પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ક્રૂર જુલમનું પરિણામ છે. જેથી હાલમાં PoKમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.