Wed Jun 17 2026

Logo

ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર એપ્રિલમાં લાગુ થાય તેવી શક્યતાઃ ગોયલ

2026-02-20 17:56:42
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયા પછી બંને કરારના અમલીકરણ અંગે અમેરિકા પછી હવે ભારતએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર પર માર્ચમાં હસ્તાક્ષર કરવામાં આવે તેવી શક્યતા છે અને એપ્રિલમાં તેનો અમલ થવાની શક્યતા છે. 

આ મહિનાની શરૂઆતમાં ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે વચગાળાનો વેપાર કરાર માટેનું માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશોના મુખ્ય વાર્તાકારો આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં મળશે. બંને પક્ષો વચ્ચે ત્રણ દિવસીય બેઠક 23 ફેબ્રુઆરીથી શરૂ થશે.

ગોયલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર માર્ચમાં હસ્તાક્ષર કરવામાં આવે તેવી શક્યતા છે અને એપ્રિલમાં તેનો અમલ થઈ શકે છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર કરાર પર હસ્તાક્ષર કરવા માટે માર્ચમાં ભારતની મુલાકાત લઈ શકે છે. 

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અહીં આયોજિત 'એઆઈ ઇમ્પેક્ટ સમિટ'ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત-યુએસ વેપાર કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે. ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળના રણનીતિક ગઠબંધન, પેક્સ સિલિકામાં સામેલ થયું હતું જેનો હેતુ મહત્વપૂર્ણ ખનિજો માટે એક મજબૂત સપ્લાય ચેઇન બનાવવાનો છે. ગોરે કહ્યું હતું કે વેપાર કરારોથી લઈને પેક્સ સિલિકા અને સંરક્ષણ સહયોગ સુધી આપણા બંને દેશો માટે સાથે મળીને કામ કરવાની શક્યતાઓ ખરેખર અમર્યાદિત છે.

આ મહિનાની શરૂઆતમાં બંને દેશો દ્વારા અલગથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કરારની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. હવે તેને કાનૂની કરારમાં રૂપાંતરિત કરવાની જરૂર છે જેના માટે બંને પક્ષો આવતા અઠવાડિયે મળશે. ભારતીય ટીમનું નેતૃત્વ દર્પણ જૈન કરશે જે વાણિજ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને મુખ્ય વાર્તાકાર છે. 

વચગાળાના વેપાર કરાર હેઠળ બંને પક્ષો તેમની વચ્ચે વેપાર થતી ઘણી વસ્તુઓ પર ટેરિફ છૂટછાટો આપશે. અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ભારતીય માલ પરના પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. 

વધુમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ પહેલાથી જ દૂર કરવામાં આવ્યો છે. આ પગલું અમેરિકામાં 50 ટકાના ભારે ટેરિફનો સામનો કરી રહેલા સ્થાનિક ઉદ્યોગ માટે મોટી રાહત છે.

ગોયલે આશા વ્યક્ત કરી કે અમેરિકન સરકાર આ મહિને ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરશે. તેમણે કહ્યું કે ભારતે કૃષિ સહિત તમામ સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ કર્યું છે."

તે દર (50 ટકા ડ્યુટી) અમારા કોઈ પણ સ્પર્ધકો કરતા ઓછો હશે, અન્ય ઉભરતા અર્થતંત્રો અથવા વિકાસશીલ દેશો કરતા પણ ઓછો હશે. વધુમાં અમે બધા સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ કર્યું છે તેથી આ બંને દેશો માટે ફાયદાકારક કરાર છે."તેમણે કહ્યું કે વસ્ત્રો, ચામડા અને દરિયાઈ ઉત્પાદનો જેવા ક્ષેત્રો ઊંચા ટેરિફથી પ્રભાવિત થઈ રહ્યા છે.

તેમણે કરાર અંગે ચિંતા વ્યક્ત કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી. અમેરિકાથી થતી આયાત અંગે પીયૂષ ગોયલે કહ્યું કે ભારતને ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ, કોકિંગ કોલસો અને વિમાન જેવા ઉચ્ચ-ટેકનોલોજી ધરાવતા ડિવાઈસની જરૂર છે. 

આ કરાર મારફતે ભારતે ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓની ખરીદી સુનિશ્ચિત કરી છે અને "અત્યંત મોંઘા અને જટિલ" તબીબી ઉપકરણો ભારતમાં ઓછી અથવા શૂન્ય આયાત શુલ્ક પર આવશે.