નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશને લઈને ભારતે ચીનને વધુ એક વાર સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ભારત સરકારે ‘સર્વે ઓફ ઈન્ડિયા’ના અધિકૃત રાજકીય નકશાને અપડેટ કરીને ચીન સરહદને અડીને આવેલા 27 મહત્વપૂર્ણ સ્થળોને ભારતીય નામો સાથે દર્શાવ્યા છે. આ નવો નકશો જાહેર કરીને ચીનને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ભારત પોતાની સીમા અંગે કોઈ પણ દખલ સહન નહીં કરે તે વાત પણ નક્કી થઈ ગઈ છે. ચીને વારંવાર ભારતના સ્થળોને પોતાના નામે નકશામાં દર્શાવ્યં છે, પરંતુ હવે ભારતે તેને વળતો જવાબ આપી દીધો છે.
અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ
ચીન સતત અરુણાચલ પ્રદેશને ‘ઝાંગનાન’ કે ‘દક્ષિણ તિબ્બત’ ગણાવીને તેના સ્થળોના નામ બદલવાનો કપટી પ્રયાસ કરતું રહ્યું છે, જેની સામે ભારતે આ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે અગાઉ પણ અનેકવાર સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને ચીન દ્વારા નામ બદલવાથી આ વાસ્તવિકતા બદલાઈ શકતી નથી. નકશામાં 27 સ્થળના સત્તાવાર ભારતીય નામો દર્શાવવા એ માત્ર નકશાનું અપડેશન નથી, પરંતુ પોતાની સાર્વભૌમ ક્ષેત્રીય જમીન પર ભારતની મજબૂત પ્રશાસનિક પકડનો પુરાવો છે.

નકશામાં કયા-કયા સ્થળો ઉમેરવામાં આવ્યા?
અપડેટ કરાયેલા નકશામાં ચાર મહત્વપૂર્ણ પહાડી દર્રા (ઘાટ), ઝો લા, રિજા લા, પુકુર લા અને થગ લા ને સામેલ કરાયા છે. જેમાંથી થગ લા નું વિશેષ વ્યુહાત્મક અને ઐતિહાસિક મહત્વ છે. તમને જણાવી દઈએ કે, ઈસ 1962માં ભારત અને ચીન વચ્ચે આ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. આ સિવાય સાંબો સરોવર ને પણ ભારતીય નામ સાથે નોંધવામાં આવ્યું છે. બાકીના સ્થળોની વાત કરવામાં આવે તો, લોંગજૂ, માજા, બીસા, બડા કુંદુન, છોટા કુંદુન, ધન બારી, પ્રીતનગર, બુદ્ધમંદિર, જયરામપુર, તેરીતનગર, રામનગર, જસવંત ગઢ, સાગર, પદ્મા, જ્યોતિનગર, બૈસાખી, છોટા રોપુક, બડા રોપુક, શિવાજી નગર, સુનપુરા અને કામલાંગ નગરનો આ નકશામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચીનની ચાલબાજી સામે ભારતનો વળતો પ્રહાર
આ સાથે નવા નકશામાં શેર-એ-થાપા મેમોરિયલ ને પણ સામેલ કરાયું છે, 1962ના યુદ્ધના શહીદ હવાલદાર શેર-એ-થાપાની વીરતાની યાદમાં બનાવાયું છે. ચીને 2017, 2021 અને 2023માં અરુણાચલ પ્રદેશના અનેક વિસ્તારો માટે ચાઈનીઝ નામોની યાદી જાહેર કરી હતી. ભારતે દર વખતે આ દાવાઓને ફગાવી દીધા હતા. હવે ભારતે પોતાના નકશામાં સંબંધિત સ્થળોને ભારતીય નામો સાથે સ્પષ્ટપણે દર્શાવીને આ વિસ્તારોની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરી છે.
1962ના યુદ્ધ સાથે જોડાયેલા સ્થળો
આમાંથી કેટલાક સ્થળો અગાઉ સૈન્ય નકશા પર હતા, પરંતુ હવે તેને દેશના અધિકૃત રાજકીય નકશામાં સ્થાન અપાયું છે. લોંગજૂ એ LAC નજીકનો વિસ્તાર છે જે 1959માં ભારત-ચીન વચ્ચેના પ્રથમ સીમા સંઘર્ષનું કેન્દ્ર રહ્યો હતો. પૂર્વ અરુણાચલમાં આવેલું જયરામપુર મ્યાનમાર સરહદ તરફની કનેક્ટિવિટી માટે મહત્વનું છે, જ્યારે જસવંત ગઢ ભારતીય સૈનિકોની અદ્ભુત શૌર્યગાથાની યાદ અપાવે છે.
સરહદે શાંતિ જાળવવાની ખાસ મૂક્યો ભાર
તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત-ચીન સરહદ બાબતો પર વર્કિંગ મિકેનિઝમની 36મી બેઠક યોજાઈ હતી, જેમાં સરહદે શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ અંગે લશ્કરી અને વ્યૂહાત્મક વાટાઘાટો ચાલુ છે, પરંતુ નકશાનું આ અપડેશન સ્પષ્ટ સંકેત છે કે ભારત સંવાદ ચાલુ રાખશે પરંતુ પોતાના ક્ષેત્રીય દાવાઓ અંગે કોઈ આપસી સમજૂતી કે પીછેહઠ કરશે નહીં.