Sun Aug 16 2026

Logo

ભારત-શ્રીલંકા ટેસ્ટમાં ટૉસ સમયસર થશે કે નહીં?

Galle   2026-08-14 21:02:35
Author: Ajay Motiwala
Article Image

ગૉલઃ અહીં શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ કરવા પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે, પરંતુ ગૉલથી મળતા સમાચાર સારા નથી, કારણકે વરસાદ પડવાની સંભાવના છે એટલે સવારે 10.00 વાગ્યે મૅચ શરૂ થાય એ પહેલાં 9.30 વાગ્યે ટૉસ થશે કે કેમ એમાં જ શંકા છે.

શ્રીલંકાની વેધશાળા અનુસાર શનિવારના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન ઊભા કરી શકે. ઉલ્લેખનીય છે કે ભારતની આ 600મી ટેસ્ટ છે જેમાં મેઘરાજા અંતરાયો ઊભા નહીં કરે એવી ભારતીય ક્રિકેટપ્રેમીઓને આશા છે.

ભારત (India) માટે 600મી ટેસ્ટ ઐતિહાસિક હોવાથી શુભમન ગિલ ઍન્ડ કંપની એમાં વિજય મેળવીને આ ટેસ્ટ (Test)ને યાદગાર બનાવવા માગે છે. ભારતની ટેસ્ટ ટીમ શ્રીલંકા (SriLanka)માં સિરીઝ રમવા આવી હોય એવું નવ વર્ષે બન્યું છે. જોકે વરસાદની સંભાવનાને લીધે ખેલાડીઓ અને લોકોના ઉત્સાહના રંગમાં ભંગ પડી શકે.

બુધવાર સુધીની આગાહી શું બતાવે છે?

આગાહી મુજબ ગૉલમાં સવારે વાદળો છવાયેલા રહેશે અને પવન પણ ફૂંકાશે. શનિવારે સવારે વરસાદ પડવાની 90 ટકા સંભાવના છે તેમ જ આકાશમાં વાદળો છવાયેલા રહેશે એવી 92 ટકા શક્યતા છે એવું વેધશાળાનું માનવું છે. છેક ત્યાં સુધી કહેવાયું છે કે 5.6 મિલીમીટર વરસાદ પડી શકે એમ છે. આગાહી શનિવાર સુધી સીમિત નથી. રવિવારે તેમ જ છેક બુધવાર સુધીની આગાહી કરાઈ છે અને છેક એ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારત 48.15 પૉઇન્ટની ટકાવારી સાથે પાંચમા સ્થાને અને શ્રીલંકા 41.67 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે.

બન્ને દેશની હેડ-ટુ-હેડ સ્થિતિ

બન્ને દેશ વચ્ચે કુલ 46 ટેસ્ટ રમાઈ છે જેમાંથી બાવીસ ભારતે અને માત્ર સાત શ્રીલંકાએ જીતી છે. 17 ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે. શ્રીલંકાએ સાતેય જીત ઘરઆંગણે મેળવી છે. જોકે શ્રીલંકામાં ભારત નવ ટેસ્ટ જીત્યું છે.